વીમાની રકમ મેળવવા આરોપીઓએ આખા પરિવારને મોતને ઘાટ ઉતાર્યો? બારડોલી હત્યાકાંડમાં ચોંકાવનારી આશંકા

વીમાની રકમ મેળવવા આરોપીઓએ આખા પરિવારને મોતને ઘાટ ઉતાર્યો? બારડોલી હત્યાકાંડમાં ચોંકાવનારી આશંકા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામે નહેરમાં શ્રમજીવી પરિવારના છ સભ્યોને ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટનામાં સરભણ ગામ પાસેની નહેરમાંથી વધુ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય એક ગુમ બાળકની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

વીમા પોલિસીના નાણાં મેળવવા માટે કાવતરું ઘડાયું હોવાની આશંકા

સમગ્ર મામલે પોલીસને વીમા પોલિસીના નાણાં મેળવવા માટે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની આશંકા છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આરોપીઓએ અગાઉ મહારાષ્ટ્રમાં પણ વીમાની રકમ મેળવવા માટે એક વ્યક્તિને અકસ્માતમાં ખપાવી 70 લાખ રૂપિયાથી વધુની રકમ મેળવી હતી. આ કથિત કૌભાંડમાં આભવો, બંટી, ખાંડ્યો સહિતના શખસોની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનામાં આભવાનો ભાઈ છેલ્લા 11 મહિનાથી જેલમાં છે. આ કેસમાં કવિતા સાહેદ હોવાથી તેની જુબાની આરોપીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતી. આ ઉપરાંત, કવિતાના પ્રથમ પતિ સંજયના અવસાન બાદ તેની સાથે મળીને અન્ય વીમાની રકમ પણ મેળવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. બોગસ વીમા મામલે જલગાંવમાં બેંક દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય ત્રણ આરોપીઓ ફરાર

જાહેરાત

પોલીસના અનુમાન મુજબ, કવિતા સાથે નાણાકીય બાબતે વિવાદ થતાં તેના પતિ સહિત પરિવારને ખતમ કરવાનું કાવતરું ઘડાયું હતું. હાલ પોલીસે ખાંડ્યો નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. મુખ્ય આરોપી આભવો પણ છેલ્લા 11 મહિનાથી મહારાષ્ટ્રમાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

વીમાની રકમ મેળવવાના કથિત કૌભાંડમાં એક આખા પરિવારનો ભોગ લેવાયો હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તમામ આરોપીઓની ભૂમિકા પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત