જામનગરમાં ચવાણામાંથી નીકળી મૃત ગરોળી, ફૂડ વિભાગની ટીમે દુકાન સીલ કરી 5,000નો દંડ ફટકાર્યો

જામનગરમાં ચવાણામાંથી નીકળી મૃત ગરોળી, ફૂડ વિભાગની ટીમે દુકાન સીલ કરી 5,000નો દંડ ફટકાર્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાનમાંથી ખરીદેલા ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી નીકળવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રાહક દ્વારા અડધું પેકેટ ખાઈ લીધા બાદ તેમાં મૃત ગરોળી જોવા મળતાં મહાનગરપાલિકાની ફૂડ શાખામાં રૂબરૂ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના પગલે ફૂડ શાખાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગંભીર બેદરકારી જણાતાં પેઢીને ત્રણ દિવસ માટે બંધ રાખવાની કાર્યવાહી કરી છે.

અડધું પેકેટ ખાઈ લીધા બાદ પેકિંગની અંદર મૃત ગરોળી મળી

પ્રાપ્ત વિગતો અનુસાર, બે-ત્રણ દિવસ પહેલાં એક ગ્રાહક નાગનાથ ગેટ પાસે આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ચવાણાનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા. ગઈકાલે પરિવારજનોએ પેકેટ ખોલીને ચવાણું ખાવાનું શરૂ કર્યું હતું. અડધું પેકેટ ખાઈ લીધા બાદ પેકિંગની અંદર તળાયેલી હાલતમાં મૃત ગરોળી નજરે પડતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. આથી ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરી હતી. ત્યારબાદ ગ્રાહક ચવાણાનું પેકેટ લઈને ફૂડ શાખાની ટીમ સાથે દુકાને પહોંચ્યા હતા અને દુકાનદાર તથા અધિકારીઓની રૂબરૂમાં પેકેટ ખોલીને ગરોળી બતાવવામાં આવી હતી.

ફરસાણ બનાવવા માટે વપરાતું અખાદ્ય તેલ પણ મળી આવ્યું

ફરિયાદના પગલે જામનગરમાં નગરપાલિકાની ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી.જાસીલીયા અને ફૂડ શાખાની ટીમે દુકાન તેમજ ફરસાણ બનાવવાના રસોડામાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ પણ મળી આવતાં તેના સહિત ખાદ્યચીજોના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રસોડાની બારીઓ ખુલ્લી હોવાથી ગરોળી કે અન્ય જીવજંતુઓ અંદર પ્રવેશી શકે તેવી શક્યતા ધ્યાને આવી હતી. આથી તમામ બારીઓ પર જાળી લગાવવા સહિત જરૂરી સુધારાઓ કરવા કડક સૂચના આપવામાં આવી હતી.

રૂ.5,000નો દંડ ફટકારાયો

ફૂડ શાખાના અધિકારીના જણાવ્યા મુજબ, આ પેઢીની અગાઉ પણ ગત 13 ઓક્ટોબરના રોજ મુલાકાત લેવામાં આવી હતી. તે વખતે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી ખામીઓ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ રૂ.5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં તાજેતરની તપાસમાં અગાઉ સૂચવેલા સુધારાઓનો અમલ થયો ન હોવાનું જણાતાં ફૂડ શાખાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. 

લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની પેઢીને ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવી છે. જરૂરી સુધારાઓ પૂર્ણ કરવા, સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા અને ફૂડ શાખાની આગામી મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન ફરી શરૂ કરી શકાશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત