જામનગરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું, એક જ મહિનામાં ડેન્ગ્યુના 39 કેસ

જામનગર શહેરમાં ઋતુ પરિવર્તન સાથે મચ્છરજન્ય રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે અને ડેન્ગ્યુના વધતા કેસે શહેરીજનોની ચિંતામાં વધારો કર્યો છે. નવેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના 39 પોઝિટિવ કેસ નોંધાતા મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર સામે રોગચાળાને નિયંત્રણમાં લેવાનો પડકાર ઊભો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અને ઋતુજન્ય બીમારીઓ વચ્ચે મનપા દ્વારા સર્વેલન્સ, ફોગિંગ તથા દવા છંટકાવની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.
ડેન્ગ્યુના કેસનો આંકડો ચિંતાજનક
શહેરમાં બદલાતી ઋતુ અને ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમાં ડેન્ગ્યુના કેસનો આંકડો ચિંતાજનક રીતે સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વોર્ડમાં તપાસ અને નિયંત્રણની કામગીરી તેજ કરવામાં આવી છે.
ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ
મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઘરે-ઘરે જઈ પાણી ભરેલાં પાત્રો, ટાંકા, કુંડીઓ તથા અન્ય સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં મચ્છરના બ્રિડિંગ મળી આવે ત્યાં નાશ કરવાની કામગીરી સાથે નિયમોના ભંગ બદલ નોટિસ અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વધુ જોખમવાળા વિસ્તારોમાં ફોગિંગ અને જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડેન્ગ્યુના વધતા કેસને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પણ ઘરની આસપાસ પાણી ભરાઈ રહેતું અટકાવવું, પાણીના પાત્રોની નિયમિત સફાઈ કરવી, છત તથા ખુલ્લી જગ્યાઓમાં બિનજરૂરી પાણીનો સંગ્રહ ન થવા દેવો અને મચ્છરથી બચવાના ઉપાયો અપનાવવા જરૂરી બન્યા છે. તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તબીબી સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે.
નવેમ્બર મહિનામાં જ 39 ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાના આંકડા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની ગંભીરતા દર્શાવે છે. હવે મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી કેટલી અસરકારક સાબિત થાય છે અને આગામી દિવસોમાં કેસના આંકડામાં ઘટાડો થાય છે કે નહીં તેના પર આરોગ્ય તંત્રની કામગીરીની કસોટી થવાની છે.










