જીએસટીના આકરા નિયમોમાં ફેરફારની શક્યતા: સપ્લાયરની ભૂલ બદલ પ્રામાણિક વેપારીઓને નહીં થાય સજા?

જીએસટી (GST)ના કડક નિયમોને કારણે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપારીઓ અને એમએસએમઈ (MSME) એકમો માટે રાહતના સંકેત મળી રહ્યા છે. જીએસટી કાઉન્સિલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના નિયમોની સમીક્ષા કરવાની પહેલ કરી છે. આ દરખાસ્તોનો હેતુ સપ્લાયરની કરચોરી કે બોગસ બિલિંગ બદલ ખરીદદાર એવા પ્રામાણિક વેપારીઓને સજા ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે, જેમની તેમાં કોઈ જાણ કે સંડોવણી ન હોય. જોકે, કરવેરા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ પ્રસ્તાવોથી ખરીદદારોને સંપૂર્ણ સુરક્ષા મળી જશે એવું નથી. જો સપ્લાયર ગ્રાહક પાસેથી જીએસટી વસૂલીને સરકારમાં જમા ન કરાવે તો ખરીદદારની ITC સામે જોખમ યથાવત રહી શકે છે.
પ્રામાણિક કરદાતાઓને રાહત આપવા 23 સભ્યોની કમિટી
ઓક્ટોબર 2026માં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 57મી બેઠક બાદ પ્રામાણિક કરદાતાઓને રાહત આપવા અને બોગસ બિલિંગ સામેની તપાસ વધુ અસરકારક બનાવવા કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા માટે 23 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રોના વેપારીઓ આ નિર્ણય પર નજર રાખી રહ્યા છે. લાંબા સમયથી વેપારીઓને સપ્લાયરની ભૂલો કે કરચોરીને કારણે ITC રિવર્સલ, ક્રેડિટ બ્લોક થવી અને કાયદાકીય નોટિસો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે સપ્લાયરની કરચોરી બદલ પ્રામાણિક ખરીદદારને આપોઆપ સજા થવી જોઈએ નહીં. જીએસટી કાયદામાં વાસ્તવિક વેપારી વ્યવહાર અને ઇરાદાપૂર્વકની કરચોરી વચ્ચે સ્પષ્ટ ભેદ હોવો જરૂરી છે.
નવી કલમ 16A ઉમેરવાની દરખાસ્ત
હાલ વિચારણા હેઠળની મહત્ત્વની દરખાસ્તોમાં નવી કલમ 16A (Section 16A) ઉમેરવાનો સમાવેશ થાય છે. આ જોગવાઈનો હેતુ એવા કિસ્સામાં ખરીદદારની ITC અટકતી રોકવાનો છે, જેમાં તેની જાણ કે સંડોવણી વિના સપ્લાયર દ્વારા બોગસ બિલિંગ કરવામાં આવ્યું હોય. આ દરખાસ્ત અમલી બને તો એવા વેપારીઓને રાહત મળી શકે છે, જેમણે વાસ્તવિક રીતે માલ કે સેવા ખરીદ્યાં હોય, તેના નાણાં ચૂકવ્યાં હોય અને જરૂરી દસ્તાવેજો પણ જાળવ્યા હોય, પરંતુ સપ્લાયરની ગેરરીતિને કારણે તેમની ટેક્સ ક્રેડિટ અટવાઈ ગઈ હોય.
ટેક્સટાઇલ, કેમિકલ અને સિરામિક ઉદ્યોગને ફાયદાની આશા
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના હોદ્દેદારના જણાવ્યા અનુસાર, ગુજરાતના એમએસએમઈ એકમો માટે આ દરખાસ્ત મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ટેક્સટાઇલ, કેમિકલ, સિરામિક અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉદ્યોગો અનેક સ્તરની સપ્લાય ચેઇન પર આધારિત હોય છે. આવી સપ્લાય ચેઇનમાં ઘણીવાર ગેરરીતિ સીધા સપ્લાયર દ્વારા નહીં, પરંતુ સપ્લાય ચેઇનના અન્ય કોઈ પાછળના સ્તરે થતી હોય છે. તેના કારણે વાસ્તવિક ખરીદદાર વેપારીઓ પણ તપાસ અને કાયદાકીય વિવાદોમાં ફસાઈ જાય છે. સૂચિત સુધારાથી આવી સમસ્યાઓ ઘટવાની આશા છે.
સપ્લાયર ટેક્સ જમા ન કરાવે તો ITCનું જોખમ યથાવત
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સુધારા ખરીદદારોને સંપૂર્ણ મુક્તિ આપતા નથી. જીએસટી કાયદાની કલમ 16(2)(c) હેઠળ જો સપ્લાયર ખરીદદાર પાસેથી ટેક્સ વસૂલે, પરંતુ સરકારમાં જમા ન કરાવે તો અમુક સંજોગોમાં ખરીદદારની ITC નામંજૂર થઈ શકે છે. GCCIની ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીના કો-ચેરમેન સીએ દીપ ઠક્કરે જણાવ્યું હતું કે CBICના GST પોલિસી વિંગે સત્તાવાર મેમોરેન્ડમ દ્વારા એવા પ્રામાણિક ખરીદદારોને ITC આપવા વિનંતી કરી છે, જેમણે માલ કે સેવા ખરીદીને તેની ચુકવણી કરી દીધી છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે જીએસટી વિભાગની યોગ્ય દેખરેખ વિના આવી છૂટછાટનો બોગસ સપ્લાયરો દુરુપયોગ કરી શકે છે. આથી વેપારીઓએ સપ્લાયરની વિશ્વસનીયતા તપાસવી, ખરીદી-વેચાણનાં બિલ, ચુકવણીના પુરાવા અને અન્ય જરૂરી દસ્તાવેજો સાચવી રાખવા જરૂરી રહેશે.
કાયદામાં સુધારો થાય ત્યાં સુધી વેપારીઓની નજર
હાલમાં ITCના નિયમોમાં સૂચિત ફેરફારો માત્ર વિચારણા હેઠળ છે. કાયદામાં સુધારો અમલી બન્યો નથી. આગામી જીએસટી કાઉન્સિલની બેઠકોમાં સ્ટેન્ડિંગ કમિટીની ભલામણો પર શું નિર્ણય લેવાય છે અને તે કાયદાનું સ્વરૂપ ક્યારે ધારણ કરે છે તેના પર ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગજગતની નજર રહેશે. જો પ્રસ્તાવિત સુધારા અમલી બનશે તો સપ્લાયરની ગેરરીતિ બદલ પ્રામાણિક વેપારીઓને થતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે.









