અમદાવાદના નિકોલમાં SUV કારચાલકે ફૂટપાથ પર સૂતેલા 3ને કચડ્યા: મહિલા અને સગીરનું મોત

શહેરના નિકોલ વિસ્તારમાં બેફામ ગતિએ દોડતી એક ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ફૂટપાથ પર સૂતેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક મહિલા અને એક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શેલબી હોસ્પિટલથી ડી-માર્ટ તરફ જવાના રોડ પર દેવસ્ય સ્કૂલ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલમાં શેલબી હોસ્પિટલથી ડી-માર્ટ તરફ જવાના રોડ પર આવેલી દેવસ્ય સ્કૂલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાળ બનીને ત્રાટકેલી ફોર્ચ્યુનર કારના કારણે ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતના અવાજ અને દ્રશ્યો જોઈને આસપાસના સ્થાનિક લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા, સારવાર દરમિયાન બેનાં મોત
બનાવ અંગે જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી પોલીસે ત્રણેય ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કમનસીબ મહિલા અને સગીરને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ત્રીજા ઇજાગ્રસ્તની હાલત નાજુક હોવાથી તેમની જીવન-મરણ વચ્ચે સારવાર ચાલી રહી છે.
નાના ચિલોડાના વિરલ ચૌધરી સામે ગુનો દાખલ; કાયદેસરની કાર્યવાહી શરૂ
આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ સુમરાએ જણાવ્યા મુજબ, "ફૂટપાથ પર સૂતેલા લોકોને ફોર્ચ્યુનર કારચાલકે અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા અને સગીરનું મોત થયું છે." પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરી (ઉં.વ. ૩૬, રહે. નાના ચિલોડા) વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત માટેની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પોતાની માલિકીની ફોર્ચ્યુનર કાર ચલાવી રહ્યો હતો.
કારમાંથી બિયર કેન મળતાં 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ'નો એંગલ ખૂલ્યો
અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલી ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં અંદરથી બિયર કેન મળી આવ્યું હતું. આ કારણે આરોપી નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો કે કેમ તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા આરોપી વિરલ ચૌધરીના બ્લડ સેમ્પલ મેળવી તેને એફએસએલ (FSL) પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. જો FSL રિપોર્ટમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થની પુષ્ટિ થશે, તો આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી કડક ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.














