આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપીના રિમાન્ડ નામંજૂર, સાબરમતી જેલમાં મોકલવા કોર્ટનો આદેશ

અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડની 5 દિવસની પોલીસ રિમાન્ડ અરજી ગ્રામ્ય જિલ્લા કોર્ટે ફગાવી દઈ તેને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. જો કે, આનંદનગર પોલીસે આરોપી સામે યુવતીને ભય બતાવી મોબાઈલ ફોન લૂંટી લેવાની ભારતીય ન્યાય સંહિતા (BNS)ની નવી કલમ 308(5) ઉમેરવા માટે કરેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ કલમ હેઠળ 10 વર્ષ સુધીની સજા અને દંડ બંનેની જોગવાઈ છે.
PGના ટેરેસ પર યુવતી સાથે આચરી હતી હેવાનીયત
મૂળ કચ્છની અને અમદાવાદના જોધપુર વિસ્તારમાં PGમાં રહેતી 23 વર્ષીય યુવતી 8 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યે ટેરેસ (ધાબા) પર ચાલવા ગઈ હતી. તે સમયે સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડ હેવાનીયત પર ઉતરી આવ્યો હતો. યુવતીએ પ્રતિકાર કરીને તેની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ પાછળથી યુવતીના ગળામાં વાયરનો ટૂંપો આપી, મોઢું દબાવીને બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી તે યુવતીનો ફોન લૂંટીને ભાગી ગયો હતો.
ઝપાઝપી દરમિયાન ફાયરિંગ, આરોપીની હોસ્પિટલમાં સારવાર
આ ગુનામાં આનંદનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. હેબતપુરમાં મોબાઈલ ફોન રિકવરીના પંચનામા વખતે આરોપીએ પોલીસ ઈન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હતી અને એક કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે બુધવારે આરોપી ધર્મસિંહ રાઠોડને ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી લંગડાતા પગે આવીને બે હાથ જોડી કોર્ટમાં ચૂપચાપ બેસી રહ્યો હતો.
કોર્ટમાં પોલીસની રજૂઆત, રિમાન્ડ અરજીનો અસ્વીકાર
પોલીસે આરોપીના રિમાન્ડ સંદર્ભે રજૂઆત કરી હતી કે, આરોપીએ આચરેલા ગંભીર ગુનાને ધ્યાનમાં રાખી તેની સઘન તપાસ કરવી જરૂરી છે. આરોપીએ દુષ્કર્મ આચરવા માટે પહેલેથી જ કાવતરું ઘડ્યું હતું કે કેમ તેમજ આ કૃત્ય માટે કોઈએ આર્થિક મદદ કરી છે કે કેમ તેની તપાસ કરવાની છે. આ ઉપરાંત, આરોપીના મોબાઈલ ફોનના CDR/SDR એનાલિસિસ કરી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે ચકાસવા રિમાન્ડ મંજૂર કરવા વિનંતી કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોલીસની રિમાન્ડ અરજી ફગાવી દઈ આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

