નરોડાના આધેડે કેનાલમાં કૂદી કર્યો આપઘાત, મૃતકના ઘરેથી મળી સુસાઈડ નોટ

નરોડાના આધેડે કેનાલમાં કૂદી કર્યો આપઘાત, મૃતકના ઘરેથી મળી સુસાઈડ નોટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના નરોડના વ્યક્તિએ જમીન વિવાદથી કંટાળીને કેનાલમાં કૂદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અગાઉના 2 ભાગીયા અને 6 વારસદારોના માનસિક ત્રાસથી ત્રસ્ત થઈ આ પગલું ભર્યું છે. આત્મહત્યા પહેલા શખ્સે વ્હોટ્સએપ પર ભત્રીજાને મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મૃતકના પુત્રએ નોંધાવી 8 શખ્સો સામે ફરિયાદ

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, ડભોડા ખાતે આવેલી 4.5 વીઘા જમીનના વેચાણ અને વાંધા અરજીને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જે મામલે અગાઉના 2 ભાગીયા અને જમીનના મૂળ માલિકના 6 વારસદારો દ્વારા વ્યક્તિને સતત માનસિક ત્રાસ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેનાથી કંટાળીને ગત 4 નવેમ્બરના રોજ નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2021થી ચાલતી આ હેરાનગતિ અંગે મૃતકના કબાટમાંથી મળેલી સુસાઈડ નોટ અને 6 નવેમ્બરે મૃતદેહ મળ્યા બાદ તેમના પુત્રની ફરિયાદના આધારે નરોડા પોલીસે તમામ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જમીન વેચાણને લઈ ચાલી રહ્યો હતો વિવાદ

મૃતકની ડભોડા ખાતે 4.5 વીઘા જમીન આવેલી છે. આ જમીન અગાઉ વાવવા માટે 2 ભાગીયાઓને આપવામાં આવી હતી. પરંતુ તેમનું કામ પસંદ ન આવતા તેમને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી થોડી જમીન અન્યને વેચી દેવાઈ હતી અને બાકીની જમીનમાંથી અગાઉ રાખેલ એક ભાગીયાની પત્નીને 2,866 ચોરસ મીટર જમીન વેચાણથી આપી હતી.

આ જમીનના મૂળ માલિકના 6 વારસદારોએ જમીન વેચાણ સામે વાંધા અરજી કરી હતી. જેના કારણે જમીનની એન્ટ્રી સર્ટીફાઈડ થતી ન હતી. આ બાબતને લઈને જમીનના વારસદારો અને 2 ભાગીયાઓએ મળીને વર્ષ 2021થી હેરાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. જેમના સતત ત્રાસ અને ધમકીઓના કારણે આધેડ ખૂબ જ તણાવ અને ડરમાં રહેતા હતા.

મૃતકના કબાટમાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં હેરાનગતિ અને ધમકીનો ઉલ્લેખ

આ તમામ લોકોના માનસિક ત્રાસથી કંટાળીને ગત 4 નવેમ્બરે આધેડે પોતાના ભત્રીજાને વ્હોટ્સએપ પર મેસેજ અને ફોટા મોકલીને નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને 6 નવેમ્બરે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના કબાટમાંથી મળેલી સુસાઈડ નોટમાં પણ આ તમામ લોકોના ત્રાસ અને મારી નાખવાની ધમકીઓનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. જેના આધારે ફરિયાદીએ આ તમામ 8 આરોપીઓ સામે પોતાના પિતાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત