Ahmedabad / નરોડાના પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કાર હંકારી એક્ટિવાને મારી ટક્કર, રોષે ભરાયેલા લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો

રાજ્યમાં કાગળ પર ભલે દારૂબંધીના દાવા થતા હોય, પરંતુ કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરવાની જવાબદારી જેના પર છે તે જ રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નરોડા પોલીસ સ્ટેશનના જ એક કોન્સ્ટેબલની શરમજનક કરતૂત સામે આવી છે, જેમાં તેણે ચિક્કાર દારૂના નશામાં ફુલ સ્પીડ કાર હંકારીને એક એક્ટિવાચાલક અને તેની સગીર ભત્રીજીને અડફેટે લીધા હતા.
ગત 21 સપ્ટેમ્બરની રાત્રે સર્જયો ગંભીર અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ કાસિન્દ્રાના 40 વર્ષીય આશિષ મહેન્દ્રભાઈ પટેલ પોતાની 15 વર્ષની ભત્રીજીને પાછળ બેસાડીને એક્ટિવા પર સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્નેહ પ્લાઝા રોડ તરફથી પૂરઝડપે આવી રહેલી ક્રેટા કારના ચાલકે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર કાકા-ભત્રીજી રોડ પર પટકાયા હતા. જેમાં સગીરાને ડાબા પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જનતાએ નશામાં ધૂત ખાખીધારીને પકડીને ધોયો
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ભાગવાની ફિરાતમાં હતો, પરંતુ આસપાસ એકત્ર થયેલા સ્થાનિક લોકોએ સાહસ દાખવીને કારચાલકને સ્થળ પર જ ઝડપી લીધો હતો. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે કાર ચલાવનાર શખ્સ બીજું કોઈ નહીં પરંતુ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ગૌરાંગ બળદેવ દવે છે, જે નિકોલમાં રહે છે અને ઘટના સમયે ચિક્કાર નશામાં ધૂત હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ નશામાં ધૂત કોન્સ્ટેબલને પકડીને મેથીપાક ચખાડ્યો હતો બાદમાં પોલીસને હવાલે કર્યો હતો.
રક્ષકો જ જ્યારે કાયદાના ધજાગરા ઉડાવે ત્યારે…
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યારે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા કર્મચારીઓ જ કાયદાના લીરેલીરા ઉડાવે ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાય છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધીને કોન્સ્ટેબલ ગૌરાંગ દવેની ધરપકડ કરી લીધી છે અને અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર પણ કબજે કરી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરોડા પોલીસ સ્ટેશન અગાઉ પણ વિવાદોમાં આવી ચુક્યું છે. જેમાં એક કર્મચારી લાખો રૂપિયાનો તોડ કરતો ઝડપાયા બાદ પોલીસને શરમે ધરમે તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી.

