Ahmedabad / સોમનાથ મંદિર અને કમલમ્ સહિત ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતના જાણીતા સોમનાથ મંદિર, ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના હેડક્વાર્ટર કમલમ્ તથા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધમકી મળવાની સાથે જ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કવૉડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ બોમ્બ સ્કવૉડ દ્વારા કાર્યાલયના ખૂણે-ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સોમનાથ મંદિરને પણ મળી ધમકી
ગુજરાત પ્રદેશ ભાજપ અને અમદાવાદ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલય સહિત સોમનાથ મંદિર, કોબા ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય અને ભાજપની ખાનપુર ઓફિસને એક ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કાર્યાલયોમાં સઘન તપાસ હાથ ધરી હતી.
અગાઉ પણ મળી ચુકી છે ધમકી
અત્રે નોંધનીય છે કે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અગાઉ થોડાક દિવસો પહેલા જ મળી હતી. જેમાં કેટલીક સ્કૂલ અને કોર્ટને પણ આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. તે સમયે થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, સંસ્થાઓને ડરાવવા માટે ખાલિસ્તાનીઓ દ્વારા તે ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો. હાલમાં મળેલા આ નવા ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

