Ahmedabad / દાણીલીમડામાં ટ્યુશનથી પરત ફરતી 7 વર્ષીય બાળકી સાથે બિભત્સ ચેનચાળા કરતો શખ્સ ઝડપાયો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ભારત ટ્રેડર્સ નજીક આવેલી મારુફ રેસિડેન્સીમાં ટ્યુશનથી ઘરે આવી રહેલી 7 વર્ષીય બાળકી પીછો કરી તેની સામે બિભત્સ ચેનચાળા કરનાર 22 વર્ષીય યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટના અંગે બાળકીએ પરિવારને જાણ કરતાં પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં શખસની કરતૂતો કેદ થઈ ગઈ હતી. પરિવારે દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર દાણીલીમડા ભારત ટ્રેડર્સ નજીક રહેતા અને કબાડી માર્કેટમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા પિતાની સાત વર્ષની પુત્રી ધોરણ-1માં અભ્યાસ કરે છે. ગત 17 સપ્ટેમ્બરના રોજ સાંજે બાળકી સોસાયટીમાં જ આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી. તે ટ્યુશનથી પરત ફરી રહી હતી, ત્યારે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક અજાણ્યા શખસે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ આ શખસ બાળકીને સામે બિભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો. બાળકી લિફ્ટમાં પ્રવેશી ત્યારે પણ તે પાછળ લિફ્ટ સુધી પહોંચી ગયો હતો. બાળકીએ સમયસૂચકતા વાપરી લિફ્ટનો દરવાજો તુરંત બંધ કરી દીધો હતો અને ઘરે પહોંચી પિતાને સમગ્ર આપવીતી જણાવી હતી.
બાળકીની વાત સાંભળી પિતાએ રેસિડેન્સીના પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર તથા લિફ્ટ પાસેના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં સામે આવેલા જીન્સના કારખાનામાં સ્ટીમ પ્રેસનું કામ કરતો બિલાલ અલીહુસેન શેખ બાળકીનો પીછો કરતો અને બિભત્સ હરકત કરતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. ઘટના બાદ આરોપી કારખાનેથી ગાયબ થઈ ગયો હતો. બીજા દિવસે અલીહુસેન નજરે પડતાં પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપીને ઝડપી ધરપકડ કરી છે.

