Ahmedabad / મહિલા ડૉક્ટર પર સાસરિયાઓનો ત્રાસ; ગર્ભવતી બનતાં પતિએ મોઢા પર ઓશિકું દબાવી ગર્ભપાતનું દબાણ કર્યું

અમદાવાદના કલોલ ખાતે આવેલી મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતી 30 વર્ષીય પરિણીતા પર તેના પતિ અને સાસરી પક્ષ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા ગર્ભવતી બનતાં પતિએ બાળક ન જોઈતું હોવાનું કહી મોઢા પર ઓશિકું દબાવી ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત સાસરિયાઓએ વધુ સોનું અને બાળકના નામે 5 લાખ રૂપિયા મૂકવા બાબતે ત્રાસ આપી, પિતરાઈ દિયરે ઘરમાં તોડફોડ કરી પિતાને ઈજા પહોંચાડતાં મણિનગર પોલીસે પતિ, સાસુ, સસરા અને પિતરાઈ દિયર સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મણિનગર વિસ્તારમાં પિતાના ઘરે રહેતી 30 વર્ષીય મહિલા તબીબના લગ્ન મે 2024માં સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નમાં પિતાએ 13 તોલા સોનાના દાગીના આપ્યા હતા. લગ્નના બીજા-ત્રીજા દિવસે પતિને દારૂ પીવાની આદત હોવાનું સામે આવ્યું હતું. અભ્યાસ દરમિયાન મહિલા તબીબ પી.જી. હોસ્ટેલમાં રહેતી, ત્યારે પણ પતિ દારૂ પીને આવીને ઝઘડો કરતો હતો. આ દરમિયાન મહિલા તબીબ ગર્ભવતી થતાં પતિએ ખુશ થવાના બદલે બાળક ન જોઈતું હોવાનું કહી ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું.
પરિણીતાએ ના પાડતાં પતિએ પલંગ પર પડેલું ઓશિકું મોં પર દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર માતા-પિતાએ વચ્ચે પડી તેને બચાવી લીધી હતી. બાદમાં નરોડા ખાતે ભાડે મકાન રાખ્યું, ત્યારે પણ સાસુ-સસરા તારા બાપે શું આપ્યું છે, આપણા સ્ટેટ્સ પ્રમાણે 20-25 તોલા સોનું લાવવું જોઈએ કહી મેણાં-ટોણાં મારતા હતા.
પરિણીતાએ પતિના ફોનમાં તપાસ કરતાં અન્ય યુવતી સાથેના મેસેજ, ફોટા તેમજ હોટેલ બુકિંગની વિગતો મળી આવી હતી. આ અંગે પૂછપરછ કરતાં પતિએ ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો. બાદમાં પરિણીતાના પિતાએ સંબંધિત યુવતીનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, પતિને તે યુવતી સાથે છેલ્લા 12 વર્ષથી સંબંધ છે અને તેણે માત્ર માતા-પિતાના દબાણથી આ લગ્ન કર્યા હતા.
ફેબ્રુઆરી 2026માં સાસરિયાઓ સમાધાન કરવા આવ્યા, ત્યારે યુવતી સાથેના સંબંધ અને દારૂની ટેવ બાબતે વાત કરતાં તેઓએ પુત્રનું ઉપરાણું લીધું હતું. જેમાં પિતરાઈ દિયરે ગુસ્સામાં આવી ઘરમાં તોડફોડ કરી ટીવી તોડી નાખ્યું હતું અને પરિણીતાના પિતાને ધક્કો મારતાં ઘૂંટણમાં લિગામેન્ટની ગંભીર ઈજા થઈ હતી. જેથી કંટાળી પરિણીતાએ મણિનગર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે.
મેરેજ સર્ટિફિકેટ ન કઢાવી લગ્નનું અસ્તિત્વ નકારવાનો પ્રયાસ
ડિસેમ્બર 2025માં દીકરીનો જન્મ થયો ત્યારે સસરાએ બાળકના નામે 5 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ મૂકવા દબાણ કર્યું હતું. હાલ દીકરી 7 માસની થઈ ગઈ હોવા છતાં પિતાએ કોઈ સારસંભાળ રાખી નથી. પરિણીતા છેલ્લા બે વર્ષથી લગ્નનું પ્રમાણપત્ર કઢાવવા કહેતી હોવા છતાં પતિ 'આ લગ્નને લગ્ન જ ન કહી શકાય' તેમ કહી સર્ટિફિકેટ કઢાવતો નથી, જેથી બાળકીના આધારકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આ પગલાં પાછળ લગ્નનું અસ્તિત્વ નકારી જવાબદારીમાંથી છટકી જવાનો ઈરાદે પતિ આવું કરતો હોવાનું સામે આવ્યું હતું.

