Ahmedabad / ગીતામંદિર બસ સ્ટેન્ડ મુસાફરોને ડરાવી-ધમકાવી લૂંટ ચલાવતી ગેંગના એક શખસની ઓળખ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક રસ્તા પરથી પસાર થતા મુસાફરો અને રાહદારીઓને રોકીને ડરાવી-ધમકાવી લૂંટ ચલાવતી એક ટોળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી છે. આ દરમિયાન એક જાગૃત મુસાફરે સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી વાઇરલ કરતાં ઝોન-6 પોલીસે સક્રિય થઈ એક શખસની ઓળખ કરી કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મુસાફરોને રોકી ખિસ્સામાંથી સામાન પડાવતા હતો
મળતી માહિતી અનુસાર, ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે રોજના હજારો-લાખો મુસાફરો અવરજવર કરે છે. આ ભીડભાડવાળા વિસ્તારની બહાર એક સગીર સહિત ચાર જેટલા અસામાજિક તત્ત્વો રસ્તા પરથી પસાર થતા લોકોને બળજબરીથી રોકી, ધમકી આપીને તેમનાં ખિસ્સાં તપાસી રોકડ તથા સામાન લૂંટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ લુખ્ખાગીરી દરમિયાન ત્યાંથી પસાર થતી બસમાં બેઠેલા એક મુસાફરે છૂપી રીતે વીડિયો બનાવી લીધો હતો.
આ સમગ્ર મામલો સામે આવતાં ઝોન 6 ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, 'ધ્યાને આવેલા વીડિયોમાં કેટલાક શખસો રાહદારીઓને રોકીને તપાસતા દેખાય છે. વીડિયોના આધારે એક યુવકની ઓળખ થઈ ગઈ છે. આ વીડિયો કઈ તારીખ અને સમયનો છે તેની ખરાઈ કરીને આગળની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.'

