Ahmedabadની મહિલા કોન્સ્ટેબલે ગાંધીનગરમાં ટૂંકાવ્યું જીવન, બે દિવસે મૃતદેહ મળ્યો, પોલીસ વિભાગમાં ચકચાર

ગાંધીનગર શહેરના સેક્ટર-3ડીમાં રહેતી અને અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા લોકરક્ષક કોન્સ્ટેબલ જ્હાનવી અનિલભાઈ ડાભીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
નાઈટ ડ્યુટી પૂરી કરીને પરત ફર્યા બાદ બની ઘટના
મૃતક મહિલા કર્મચારી અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર, ગત 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે તેઓ પોતાની નાઈટ ડ્યુટી પૂરી કરીને ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા. ત્યારબાદ મોડી રાત સુધી તેઓ રૂમમાંથી બહાર ન આવતાં અને દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં, આસપાસના લોકોની મદદથી તપાસ કરવામાં આવી હતી, જ્યાં તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો, એફએસએલની મદદ લેવાઈ
ઘટનાની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસને મૃતદેહ ડીકમ્પોઝ (કુદરતી સડા) થયેલી હાલતમાં મળ્યો હતો, જેના આધારે તેમણે દોઢથી બે દિવસ પહેલાં જ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ માનીને વધુ તપાસ માટે એફએસએલ (FSL)ની પણ વિશેષ મદદ લેવામાં આવી છે.
થોડા સમય અગાઉ જ થયા હતા છૂટાછેડા, સોશિયલ મીડિયા પર હતા લોકપ્રિય
પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક જ્હાનવીના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા હતા. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમના 25 હજારથી વધુ ફોલોઅર્સ પણ હતા. હાલ તો સેક્ટર-7 પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી લીધો છે અને આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

