Ahmedabad/ ટેક્સીની જેમ બુક થઈ રહ્યા છે ચાર્ટર પ્લેન! 5 વર્ષમાં માંગ બમણી, મહિને 200 જેટલી અવરજવર

અમદાવાદના એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન (Charter Plane) અને હેલિકોપ્ટરની માંગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. મહિને આશરે 200 જેટલા ચાર્ટર પ્લેનની અવરજવર થઈ રહી છે. ખાસ વાત એ છે કે હવે આ સુવિધા માત્ર મોટા ઉદ્યોગપતિઓ પૂરતી મર્યાદિત રહી નથી. પરિવાર સાથે લક્ઝરી મુસાફરી કરવા ઇચ્છતા લોકો પણ પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર બુક કરાવી રહ્યા છે.
કોરોના બાદ ચાર્ટર પ્લેનની માંગમાં મોટો ઉછાળો
કોરોના મહામારી બાદ ખાનગી હવાઈ મુસાફરી તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચાર્ટર પ્લેનની માંગ લગભગ બમણી થઈ હોવાનું સામે આવ્યું છે. ધાર્મિક યાત્રા, મોટા કાર્યક્રમો અને ખાસ પ્રસંગોએ ખાનગી એરક્રાફ્ટની માંગમાં ખાસ વધારો જોવા મળે છે.
કુંભમેળા અને અન્ય ધાર્મિક આયોજનો દરમિયાન ચાર્ટર પ્લેન માટે પણ વેઇટિંગ જોવા મળ્યું હતું. આ ઉપરાંત આઈપીએલ (IPL), કોન્સર્ટ અને અન્ય મોટા કાર્યક્રમો દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ખાનગી એરક્રાફ્ટની અવરજવર વધી જાય છે.
ચાર્ટર પ્લેનથી સોમનાથ-દ્વારકા સુધીની મુસાફરી
પ્રાઇવેટ એરક્રાફ્ટ દ્વારા અમદાવાદથી સોમનાથ અથવા દ્વારકા જેવા સ્થળોએ જવા માટે અંદાજે રૂ. 2.5 લાખથી રૂ. 25 લાખ સુધીનું ભાડું ચૂકવવું પડે છે. હેલિકોપ્ટર માટે એક કલાકનું ભાડું આશરે રૂ. 1 લાખથી રૂ. 5 લાખ સુધી હોવાનું જણાવવામાં આવે છે.
ખાનગી એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યારે તેના માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ (Ground Handling) ચાર્જ પણ વસૂલવામાં આવે છે. આ ચાર્જ રૂ. 50 હજારથી લઈને રૂ. 3 લાખ સુધીનો હોઈ શકે છે.
મોટી કંપનીઓ પાસે પોતાના પ્લેન અને હેલિકોપ્ટર
અમદાવાદમાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ પાસે પોતાના હેલિકોપ્ટર અથવા એરક્રાફ્ટ પણ છે. અદાણી, ઝાયડસ, એચ. એન. સફલ અને નિરમા ગ્રુપ જેવી કંપનીઓ ખાનગી હવાઈ પરિવહનનો ઉપયોગ કરે છે.
આ ઉપરાંત વેન્ચુરા, ડ્યુસ એર અને જેસ્ટ એવિએશન જેવી કંપનીઓ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટર સેવા પૂરી પાડે છે. અમદાવાદ એરપોર્ટ પર ખાનગી મુસાફરી માટે આશરે 20 જેટલા એરક્રાફ્ટ અને લગભગ 12 પાર્કિંગ સ્ટેન્ડ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવે છે.
સામાન્ય પરિવારો પણ હવે લઈ રહ્યા છે ચાર્ટર સેવા
એક સમય હતો જ્યારે પ્રાઇવેટ જેટને માત્ર અતિધનિક લોકોની સુવિધા માનવામાં આવતું હતું. જોકે હવે પરિવાર સાથે ખાસ પ્રસંગે મુસાફરી કરવી હોય અથવા ઓછા સમયમાં લાંબું અંતર કાપવું હોય ત્યારે લોકો ચાર્ટર એરક્રાફ્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ કારણે અમદાવાદમાં ખાનગી હવાઈ મુસાફરીનું બજાર સતત વિસ્તરી રહ્યું છે.
અમદાવાદમાં વધારે અવરજવર ધરાવતા એરક્રાફ્ટ
| ક્રમ | એરક્રાફ્ટનું નામ |
| ૧ | ગલ્ફસ્ટ્રીમ |
| ૨ | એમ્બ્રેર |
| ૩ | પિલાટસ |
| ૪ | હરિકેન |
| ૫ | બીચક્રાફ્ટ કિંગ એર સી ૯૦ |
| ૬ | સેસ્ના સાઇટેશન |
| ૭ | બોમ્બાર્ડિઅર લિયરજેટ |
| ૮ | દસો ફાલ્કન |
| ૯ | બોઇંગ બિઝનેસ જેટ |
અમદાવાદમાં ખાનગી એરક્રાફ્ટ-હેલિકોપ્ટર ધરાવતી કોર્પોરેટ કંપનીઓ
| ક્રમ | કંપનીનું નામ |
| ૧ | અદાણી |
| ૨ | ઝાયડસ ગ્રુપ |
| ૩ | એચ એન સફલ |
| ૪ | નિરમા ગ્રુપ |
એવિએશન કંપનીઓ
| ક્રમ | કંપનીનું નામ |
| ૧ | વેન્ચુરા |
| ૨ | ડ્યુન્સ એર |
| ૩ | જેસ્ટ એવિએશન |

