Ahmedabad / ધોળકામાં પ્રસિદ્ધ ગણપતિ મંદિર તરફ જતો અંડરપાસ જળબંબાકાર, ગણેશ ઉત્સવમાં જ હાલાકી

અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં આવેલા સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર તરફ જતા રસ્તા પરના અંડરપાસમાં ચોમાસાને કારણે ગંભીર સ્થિતિ પેદા થઇ છે. થોડા વરસાદમાં જ અંડરપાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ડ્રેનેજ સિસ્ટમના અભાવે સર્જાતી ગંભીર સમસ્યા
રેલવે વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ અંડરપાસમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાને કારણે કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની આ કાયમી સમસ્યા બનતી જઈ રહી છે. તંત્ર દ્વારા માત્ર પંપ અને મોટર મૂકીને ડીઝલ બળતણથી પાણીનો નિકાલ કરવાના કામચલાઉ પ્રયાસો કરવામાં આવે છે, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
વાહનચાલકોની મુશ્કેલીઓ અને કાયમી ઉકેલની માંગ
અંડરપાસમાં સતત પાણી ભરાયેલું રહેવાને કારણે અનેક વાહનો અચાનક બંધ પડી જાય છે અને વાહનચાલકો પાણીમાં અટવાઈ જાય છે. આ ગણેશ ઉત્સવના પવિત્ર દિવસોમાં દર્શનાર્થીઓની આ અસુવિધા અને હાલાકીને વહેલી તકે દૂર કરવા તથા આ મહત્ત્વપૂર્ણ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ લાવવા માટે સ્થાનિક રહેવાસીઓ અને બહારથી આવતા યાત્રાળુઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

