Ahmedabad / હાઉસિંગ બોર્ડના જૂના મકાનોમાં RTIના નામે તોડબાજીનું રેકેટ, ગાંધીનગર સુધી પહોંચી ફરિયાદ

અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડના જૂના મકાનોમાં ગેરકાયદે બાંધકામ અને વધારાના બાંધકામની આડમાં તોડબાજીનો વેપાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. રાઇટ ટૂ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) અને નોટિસને હથિયાર બનાવીને ચાલતા આ રેકેટમાં ચોક્કસ ટોળકીઓ સક્રિય છે. જેના કારણે હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા સામાન્ય નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
30-40 વર્ષ જૂના બાંધકામોને નિશાન બનાવવાનું કારસ્તાન
અમદાવાદના નારણપુરા, વાડજ, ગોતા, સરસપુર અને બાપુનગર સહિતના વિસ્તારોમાં દશકો પહેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મોટા પ્રમાણમાં આવાસો બનાવવામાં આવ્યા હતા. આશરે 30 થી 40 વર્ષ પહેલાં કરાયેલા વધારાના બાંધકામોને આધાર બનાવીને કેટલાક લોકો દ્વારા ખોટો ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. RTI એક્ટિવિસ્ટો દ્વારા આવા મકાનો અંગે RTI કરવામાં આવે છે અને તેના આધારે મોટી રકમની તોડબાજી કરીને પ્રકરણને દબાવી દેવામાં આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની મજબૂરી અને નિયમો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં વધારાના બાંધકામ માટે ઈમ્પેક્ટ ફી લઈ શકાતી નથી, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન આવા બાંધકામોને કાયદેસર કરી શકતું નથી. આ કાનૂની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને તોડબાજ તત્વો સક્રિય બન્યા છે અને રહિશોને દબાવીને નાણાં પડાવી રહ્યા છે. ગાંધીનગર સુધી રજૂઆત અને ન્યાયની માગઆ ત્રાસથી કંટાળીને અસરગ્રસ્ત સ્થાનિક રહેવાસીઓએ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રાલય અને હાઉસિંગ બોર્ડ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના 70 હજારથી વધુ આવાસો આવેલા છે. સ્થાનિકોએ માગ કરી છે કે સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરતા આ તત્વો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે.

