Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ketki Vyas gets big jolt in disproportionate assets case of Rs 3.56 crore: ACB court rejects bail

3.56 કરોડની અપ્રમાણસર સંપત્તિ કેસમાં કેતકી વ્યાસને મોટો ઝટકો: ACB કોર્ટે જામીન ફગાવ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
3.56 કરોડની અપ્રમાણસર સંપત્તિ કેસમાં કેતકી વ્યાસને મોટો ઝટકો: ACB કોર્ટે જામીન ફગાવ્યા
સોર્સ : gstv

આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં જામીન અરજી ACBની વિશેષ અદાલતે ફગાવી દીધી છે. અરજદાર RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતા અદાલતે અવલોકન કર્યું હતું કે, આર્થિક અને ગેરકાયદે સંપત્તિના ગુનાઓ પ્રજાના સરકારી તંત્ર પરના વિશ્વાસને સીધું નુકસાન પહોંચાડે છે અને સમાજ પર તેની વ્યાપક અસર પડે છે. અરજદાર મહેસૂલી કાયદાથી માહિતગાર વર્ગ-1ના જવાબદાર અધિકારી હોવા છતાં ACBની તપાસથી દૂર રહ્યા હતા. આ વર્તનને કારણે જામીન પર મુક્ત કરવાથી ટ્રાયલ વખતે ભાગી જવાની શક્યતા નકારી શકાય નહીં. અરજદારે રજૂ કરેલા આવક અને રોકાણના દસ્તાવેજો પર અરજદાર કે CAના સહી-સિક્કા ન હોવાથી તેની અધિકૃતતા અત્યારે માની શકાય નહીં. તમામ દલીલોનો નિર્ણય ટ્રાયલના અંતે જ થઈ શકે.

App Store

કોર્ટે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, વિવિધ સ્થળોએ ખરીદેલી મિલકતો અને બેંક એકાઉન્ટના વ્યવહારો અંગે યોગ્ય તપાસ માટે અરજદાર મહિલાની પોલીસ કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. અરજદારે રજૂ કરેલા કાનૂની ચુકાદાઓના તથ્યો આ કેસની પરિસ્થિતિ કરતાં અલગ હોવાથી તે અરજદારને મદદરૂપ બનતા નથી. અરજદાર મહિલા સામે પ્રથમ દર્શનીય રીતે ગુનામાં સંડોવણી જણાતી હોવાથી અને તપાસ ચાલુ હોવાથી અદાલતે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે.

તપાસ ચાલુ, ચાર્જશીટ ફાઈલ કરવાનું બાકી

પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે રૂ.3.56 કરોડ જેટલી વધુ રકમની મિલકતો પોતાના અને સગા-સંબંધીઓના નામે ગેરકાયદેસર રીતે વસાવી હોવા મામલે ACBએ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ACBની ધરપકડ ટાળવા માટે તેમણે લાંબા સમય સુધી હાજર ન થઈને તપાસ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીઓ રદ થયા બાદ CID ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ અત્યારે નાજુક તબક્કે ચાલુ છે અને ચાર્જશીટ ફાઈલ કરવાનું બાકી છે.

કેતકી વ્યાસે કહ્યું-'તેઓ નિર્દોષ છે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે'

કેતકી વ્યાસે કરેલી જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે, તેઓ નિર્દોષ છે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેમની સામે પ્રથમ દર્શનીય કોઈ કેસ બનતો નથી. પૂર્વ તપાસની મંજૂરી મળ્યાના લગભગ 2 વર્ષ અને 8 મહિના પછી ફરિયાદ નોંધવામાં આવી છે. અરજદારના માતા-પિતા વિરમગામ રહે છે અને તેઓ પોતાની અલગ આવક તથા રોકાણ ધરાવે છે. અરજદારના પતિ પોલીસ કર્મચારી છે, તેઓની તપાસ સમયગાળા દરમિયાનની આશરે રૂ.89 લાખની દસ્તાવેજી આવક ધ્યાને લેવામાં આવી નથી. ACB દ્વારા ગણેલી 68.84% ની રકમ કાલ્પનિક અને બજાર કિંમતના આધારે ગણેલી ભૂલ ભરેલી આંકડાકીય ગણતરી છે.

સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી મહિલા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો ધરાવવાનો ગંભીર પ્રકારનો ગુનો છે. અરજદાર લાંબા સમય સુધી ACB સમક્ષ હાજર થયા ન હતા. તેમણે વિવિધ સ્થળોએ ખરીદેલી મિલકતો અને બેંક એકાઉન્ટના વ્યવહારો અંગે યોગ્ય તપાસ માટે પોલીસ કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. આથી તેમણે કરેલી જામીન અરજી ન્યાયના હિતમાં ફગાવી દેવી જોઈએ.

હની-ટ્રેપ અને છૂપા કેમેરા કાંડનો વિવાદ

આણંદ જિલ્લામાં RAC તરીકેના કાર્યકાળ દરમિયાન કેતકી વ્યાસ અગાઉ પણ ભારે વિવાદમાં રહ્યા હતા. તત્કાલિન આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીની ઓફિસમાં છૂપો કેમેરો લગાવવામાં આવ્યો હોવાના કેસમાં પોલીસે તેમની અને તત્કાલિન ડેપ્યૂટી મામલતદાર જે.ડી. પટેલ સહિત અન્ય લોકો સામે કાર્યવાહી કરી હતી. આ કેસમાં સરકારી અધિકારીઓને હની-ટ્રેપ અને બ્લેકમેલ કરવાના આક્ષેપો થયા હતા, જેના પગલે જ ACB દ્વારા વ્યાસની આવક અને સંપત્તિની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.

ACBના જણાવ્યા અનુસાર, વ્યાસ પર 2012 થી 2023ના સમયગાળા દરમિયાન તેમની કાયદેસરની આવક કરતા ₹3.56 કરોડની વધુ સંપત્તિ (કાયદેસરની આવક કરતા 68.84 ટકા વધુ) ધરાવવાનો આરોપ છે. એજન્સીએ આક્ષેપ કર્યો છે કે, કેતકી વ્યાસે સરકારી કર્મચારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે મેળવેલા ભંડોળનો પોતાના અને પરિવારના સભ્યોના નામે જંગમ અને સ્થાવર મિલકતોમાં રોકાણ કર્યું હતું. કેસ નોંધાયા બાદથી તેઓ લાંબા સમયથી ફરાર હતા.