હનુમાન અંશ' બાદ બોક્સ ઓફિસ પર વધુ એક લો-બજેટ ફિલ્મનો તરખાટ; ફિલ્મ 'ડિયર યુ'એ ₹2,849 કરોડની રેકોર્ડબ્રેક કમાણી

ઓછા બજેટની ફિલ્મ 'હનુમાન અંશ'એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં દમ હોય તો બોક્સ ઓફિસ પર તે 'ટોક્સિક' જેવી ફિલ્મોને પણ ધૂળ ચટાડી શકે છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'હનુમાન અંશ' (Hanuman Ansh) બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 54 કરોડ રૂપિયાનો વકરો કરી ચૂકી છે.
હજુ તો દર્શકોના માથેથી આ ફિલ્મનો નશો ઉતર્યો પણ નહોતો, ત્યાં દુનિયાભરમાં અન્ય એક ઓછા બજેટની ફિલ્મે સફળતાનો પરચમ લહેરાવતા બોક્સ ઓફિસ પર 2 હજાર કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. કઈ છે આ ફિલ્મ અને કેમ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે, જાણો વિગતે:
હનુમાન અંશ સિવાય દુનિયાભરમાં આ ફિલ્મે મચાવી ધૂમ
અહીં જે ફિલ્મની વાત થઈ રહી છે તે એપ્રિલ મહિનામાં થિયેટરોમાં રિલીઝ થયેલી ચાઈનીઝ ફિલ્મ 'ડિયર યુ' (Dear You) છે. હોંગચુન લેનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ આશરે 14 મિલિયન ડૉલર (અંદાજે 132 કરોડ રૂપિયા)ની આસપાસ હતું. જોકે, આ મૂવી વર્ષ 2026નું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ સાબિત થઈ છે, કારણ કે અત્યારે ચારેય તરફ માત્ર આ ફિલ્મની સ્ટોરીની જ ચર્ચા ચાલી રહી છે.
30 એપ્રિલ 2026ના રોજ ચીનમાં રિલીઝ થયેલી 'ડિયર યુ' ફિલ્મે ત્યાંના બોક્સ ઓફિસ પર 300 મિલિયન ડૉલર (આશરે ₹2,849.02 કરોડ)ની કમાણી કરી છે. નાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ હવે 4 સપ્ટેમ્બરના રોજ નોર્થ અમેરિકામાં રિલીઝ થવા જઈ રહી છે. ચાઈનીઝ ભાષામાં 'ડિયર યુ'નો અર્થ 'લવ લેટર ફોર ગ્રાન્ડમા' થાય છે. સાઉથ એશિયામાં પણ ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
વાર્તામાં દર્શાવાયું છે કે પરિવાર તેને છોડીને ચાલ્યો ગયો છે અને તેને માત્ર તેના દાદા પર જ આશા હોય છે કે તેઓ તેને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકે છે. પરંતુ ટૂંક સમયમાં જ આ સફર પૈસા કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
કિયાઓપી (વિદેશમાં વસેલા ચીની નાગરિકો દ્વારા પોતાના પરિવારોને મોકલવામાં આવતા પત્રો, જે મોટાભાગે પૈસા મોકલવા સાથે લખાતા હતા) દ્વારા તે પોતાના પરિવારના ભૂતકાળમાં જઈને પોતાના દાદા-દાદીના સંબંધો વિશે વિગતો એકઠી કરે છે.
યુએસમાં ચાઈનીઝ ફિલ્મોનો કેવો રહ્યો છે બિઝનેસ?
ચાઈનીઝ ફિલ્મોનો ક્રેઝ સ્થાનિક સ્તરેથી નીકળીને ધીમે-ધીમે હવે વૈશ્વિક બની રહ્યો છે. ચાઈના નેશનલ ફિલ્મ એડમિનિસ્ટ્રેશનના બ્લોગ પોસ્ટ અનુસાર, 20 ઓક્ટોબર 2025 સુધીમાં ચીનની ફિલ્મોએ 46 દેશો અને પ્રદેશોના બોક્સ ઓફિસ પર 140 મિલિયન યુએસ ડૉલરની કમાણી કરી હતી. ચીનની 20 રિલીઝ થયેલી ફિલ્મોમાંથી 15 ફિલ્મોને વિદેશી બોક્સ ઓફિસ પર સ્થાન મળ્યું હતું.
વર્ષ 2025માં નોર્થ અમેરિકામાં લગભગ 54 ફિલ્મો રિલીઝ થઈ હતી, જેણે કુલ 38.44 મિલિયન ડૉલરનો કારોબાર કર્યો હતો, જે વર્ષ 2024ની સરખામણીમાં 154 ટકા વધુ રહ્યો હતો.

