Video: ખેડૂતોના વીજ બિલ અને દંડ મુદ્દે ભાજપ સરકાર પર ઇસુદાન ગઢવીનો પ્રહાર, જામ ખંભાળિયામાં ખેડૂતોને એકત્ર થવા અપીલ

દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ખેડૂતોની વીજળી અને આર્થિક મુશ્કેલીઓ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય હજુ જમા થઈ નથી, બીજી તરફ ખેડૂતોને ઉઘરાણીના ફોન આવી રહ્યા છે.
ઇસુદાન ગઢવીના જણાવ્યા મુજબ, દેવભૂમિ દ્વારકામાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા છે અને PGVCL દ્વારા ખેડૂતો પર વીજ બિલની ઉઘરાણી તથા રેડ કરવામાં આવી રહી છે. ખેતરમાં પાણી કે સિંચાઈની વ્યવસ્થા ન હોવા છતાં ઘર કે વાડીના વીજ બિલમાં લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી ભાજપનું શાસન હોવા છતાં ખેડૂતોના વીજ બિલના પ્રશ્ને કોઈ નેતા અવાજ ઉઠાવતું નથી, જ્યારે ચૂંટણી સમયે જ નેતાઓ ખેડૂતો વચ્ચે દેખાતા હોવાનો પણ ઇસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જો 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો ખેડૂતોને મફત વીજળી આપવામાં આવત. પંજાબમાં ખેડૂતોને ખેતી માટે મફત વીજળી અને 90 ટકા નાગરિકોને બે મહિનામાં 600 યુનિટ વીજળી મફત મળતી હોવાનો તેમણે દાવો કર્યો છે.
વીજ બિલથી પરેશાન ખેડૂતોને મંગળવારે સવારે 11 વાગ્યે જામ ખંભાળિયા PGVCL કચેરી ખાતે એકત્ર થવા ઇસુદાન ગઢવીએ અપીલ કરી છે. ખેડૂતોને ન્યાય અપાવવા આગેવાનો સાથે રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.સાથે જ આગામી ચૂંટણીમાં ભાજપને મત નહીં આપવાના સંકલ્પ સાથે મત કાપવા માટે ઊભી કરવામાં આવતી અન્ય પાર્ટીઓથી પણ સાવચેત રહેવાની અપીલ ઇસુદાન ગઢવીએ કરી છે.















