Ahmedabadમાં બિસ્માર રસ્તાઓ, છતાં ડિવાઈડર ચમકાવવા AMC કરશે કરોડોનો ધુમાડો!

Ahmedabadમાં બિસ્માર રસ્તાઓ, છતાં ડિવાઈડર ચમકાવવા AMC કરશે કરોડોનો ધુમાડો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 શહેરમાં રસ્તાઓ પર ખાડા અને રોડની સમસ્યાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડિવાઈડર અને રોડસાઈડ ફૂલછોડની જાળવણી પાછળ રૂ. 8.63 કરોડ ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાતેય ઝોનમાં સેન્ટ્રલ વર્જ એટલે કે ડિવાઈડર અને રોડસાઈડ પરના ફૂલછોડની જાળવણી તથા સફાઈ માટે આટલી મોટી રકમ ખર્ચાશે. જોકે, આ કામગીરીમાં રોપા, ખાતર અને જંતુનાશક દવાઓ સહિતની સામગ્રી મ્યુનિસિપાલિટી પૂરી પાડશે, જ્યારે એજન્સીને માત્ર તેને લગાવવા, જાળવણી અને છંટકાવ માટે મોટી રકમ ચૂકવાશે.

સામગ્રી AMC આપશે, જાળવણી માટે એજન્સીને કરોડો

AMC દ્વારા સાત ઝોનમાં ડિવાઈડર અને રોડસાઈડ ફૂલછોડની જાળવણી માટે એજન્સીઓને કામગીરી સોંપવાનું આયોજન કરાયું છે. ડિવાઈડરમાં ફૂલછોડ ઘટે તો નવા રોપા, દર ત્રણ મહિને ખાતર અને જંતુનાશક દવાઓ સહિતની સામગ્રી મ્યુનિસિપાલિટી પોતાના ખર્ચે પૂરી પાડશે. એજન્સીએ આ સામગ્રી લગાવવાની, જાળવણી કરવાની અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી કરવાની રહેશે. આ કામગીરી માટે એજન્સીને પ્રતિ ચોરસ મીટર રૂ. 345 ચૂકવાશે. સાથે જ દર 1500 ચોરસ મીટર વિસ્તારમાં એક માળી રાખવો ફરજિયાત રહેશે.

જાહેરાત

શિયાળામાં 4 દિવસે અને ઉનાળામાં 2 દિવસે પાણી આપવાનો દાવો

કરાર મુજબ શિયાળામાં દર ચાર દિવસે અને ઉનાળામાં દર બે દિવસે ડિવાઈડર તથા રસ્તાની બાજુમાં આવેલા ફૂલછોડને પાણી આપવાનું આયોજન છે. આ ઉપરાંત દર સાત દિવસે ફૂલછોડનું ટ્રિમિંગ પણ કરવામાં આવશે. શહેરમાં દર વર્ષે ફૂલછોડ અને ડિવાઈડરની જાળવણી પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે, છતાં અનેક સ્થળોએ ફૂલછોડ સુકાયેલા જોવા મળે છે અને ડિવાઈડર પર કચરો તથા ગંદકીની સમસ્યા પણ જોવા મળે છે. હવે ફરી એકવાર જાળવણી પાછળ રૂ. 8.63 કરોડ ખર્ચવાના આયોજનથી મ્યુનિસિપલ ખર્ચ સામે સવાલો ઊભા થયા છે. અમદાવાદના સાતેય ઝોનમાં ડિવાઈડર અને રોડસાઈડ ફૂલછોડની જાળવણી માટે કરોડોનો ખર્ચ થવા જઈ રહ્યો છે, ત્યારે આ કામગીરીથી શહેરના રસ્તાઓ અને ડિવાઈડરની વાસ્તવિક સ્થિતિમાં કેટલો સુધારો થશે તે જોવાનું રહેશે.

કયા ઝોનમાં કેટલો ખર્ચ?

ઝોન ખર્ચ
ઉત્તર પશ્ચિમ રૂ. 2.64 કરોડ
દક્ષિણ પશ્ચિમ રૂ. 1.74 કરોડ
પશ્ચિમ રૂ. 1.21 કરોડ
દક્ષિણ રૂ. 1.34 કરોડ
ઉત્તર રૂ. 66 લાખ
પૂર્વ રૂ. 64 લાખ
મધ્ય રૂ. 38 લાખ

આ સમાચાર શેર કરો

જાહેરાત