Ahmedabadમાં નિવૃત્ત ASI પિતા પર કળિયુગી પુત્રનો જીવલેણ હુમલો, પોલીસની હાજરીમાં માથું ફોડ્યું

અમદાવાદના ચાંદખેડાના વ્રજ ટેનામેન્ટમાં વર્ષ 2020માં અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી નિવૃત્ત થયેલા ASI ગણપત પરમાર પર તેમના પુત્ર કૌશલ પરમારે પારિવારિક ઝઘડામાં સ્ટંપ વડે હુમલો કર્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા કૌશલે પોલીસની હાજરીમાં જ પિતાના માથામાં બ્લોક મારી દીધો હતો. જેમાં પરિવારના અન્ય સભ્યો પણ હુમલાનો ભોગ બન્યા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નકશા જુઓ
પુત્રએ જ પિતા પર કર્યો સ્ટંપથી હુમલો
મળતી માહિતી મુજબ, કોઈ કામસર બહાર ગયેલા ગણપત પરમારને તેમના પુત્ર કૌશલે ફોન પર ગાળો આપી હતી. બાદમાં તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે ઉશ્કેરાયેલા કૌશલે તેમના પર સ્ટંપથી હુમલો કરી દીધો હતો, જેનાથી બચવા માટે પિતા ઘરની બહાર દોડી ગયા હતા. જોકે, કૌશલનો ગુસ્સો આટલેથી અટક્યો નહોતો અને તેણે પિતાની સાથે-સાથે પોતાની માતા તેમજ 2 બહેનોને પણ માર માર્યો હતો.
પોલીસની નજર સામે જ પિતાના માથામાં બ્લોક ઝીંકી માથું ફોડ્યું
પરિવારમાં થયેલી મારામારી અને બૂમાબૂમની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ પોલીસને જોતાં જ કૌશલ વધારે ઉશ્કેરાયો હતો. તેણે પોલીસની નજર સામે જ એક બ્લોક ઉઠાવીને નિવૃત્ત પોલીસકર્મી પિતાના માથામાં ઝીંકી દેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર બનાવ અંગે ચાંદખેડા પોલીસે કૌશલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.







