Ahmedabadમાં જળસંકટના એંધાણ વચ્ચે AMC દોડતું થયું; 4 ઝોનમાં ₹3.99 કરોડના ખર્ચે 1000 ફૂટ ઊંડા12 બોરવેલ તૈયાર કરાશે

અમદાવાદ શહેરમાં પાણીની પેદા થઈ રહેલી ગંભીર સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ભલે બધું બરાબર હોવાની વાતો કરી રહ્યા હોય, પરંતુ સંભવિત કટોકટી સામે તંત્ર અંદરખાને દોડતું થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ચાર ઝોનમાં એક હજાર ફૂટ (310 મીટર) ઊંડાઈ ધરાવતા કુલ 12 બોરવેલ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
વોટર કમિટીમાં રૂ. 3.99 કરોડની મંજૂરી માટે દરખાસ્ત
ગુરુવારે મળનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની બેઠકમાં આ અંગેની ખાસ દરખાસ્ત મૂકવામાં આવી છે. જેમાં ચાર જુદી જુદી એજન્સીઓને કુલ રૂ. 3.99 કરોડના ખર્ચે 12 બોરવેલ બનાવવાનું કામ સોંપવા માટેની મંજૂરી માંગવામાં આવી છે. 350 બાય 250 એમએમ ડાયા અને 310 મીટર ઊંડાઈ ધરાવતા એક બોરવેલનો અંદાજિત ખર્ચ રૂ. 33.30 લાખ નક્કી કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં ડ્રિલિંગ ઉપરાંત ડેવલપિંગ, પાઇપ એસેમ્બલી અને મટિરિયલ સહિતની તમામ બાબતોનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં શહેરના બાકી રહેતા અન્ય ત્રણ ઝોન માટે પણ આ જ પ્રકારે બોરવેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
કયા વિસ્તારો અને સ્થળો પર બનશે આ નવા બોરવેલ?
પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ચોક્કસ જરૂરિયાત વાળા સ્થળોએ આ બોરવેલ બનાવવામાં આવશે. જે સ્થળો પર નવા બોરવેલ બનશે તેમાં…
વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન (WDS)થી પાણી પહોંચતું ન હોય તેવા છૂટાછવાયા વિસ્તારો
જે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડમાં હાલમાં કોઈ બોરવેલ ઉપલબ્ધ ન હોય
જ્યાં હયાત બોરવેલ ફેલ થઈ ગયા હોય અથવા બંધ પડી ગયા હોય તેવા સ્થળો
તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી નવી જગ્યાઓ








