Ahmedabadમાં રફ્તારનો કહેર: અકસ્માત અને હિટ એન્ડ રનના 3 બનાવોમાં કોલેજિયન યુવક સહિત 3ના મોત

Ahmedabadમાં રફ્તારનો કહેર: અકસ્માત અને હિટ એન્ડ રનના 3 બનાવોમાં કોલેજિયન યુવક સહિત 3ના મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરમાં બેફામ અને પૂરઝડપે વાહન હંકારતા ચાલકોનો આતંક યથાવત રહ્યો છે, જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા અકસ્માત અને હિટ એન્ડ રનના 3 બનાવોમાં એક 19 વર્ષીય યુવક સહિત 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ ત્રણેય બનાવો અંગે મૃતકોના પરિવારજનોએ જવાબદાર અને ફરાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.નકશા જુઓ

પ્રથમ ઘટના : મિત્રો સાથે ફરવા નીકળેલા કોલેજિયન યુવકને ભેટ્યો કાળ

બોડકદેવ વિસ્તારમાં રહેતા 79 વર્ષીય ફરિયાદી નટવરલાલ ઠક્કરનો 19 વર્ષીય પૌત્ર વંશ જે બી.બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 17 નવેમ્બરે રાત્રે આશરે 11 વાગ્યે ઘરેથી મિત્રો સાથે બહાર ફરવા નીકળ્યો હતો, ત્યારબાદ રાત્રે આશરે 1:30 વાગ્યે વંશ તેના મિત્રો સાથે કારમાં બેસી શીલજથી વૈષ્ણોદેવી સર્કલ જવા નીકળ્યા હતા. આ સમયે પ્રિન્સ પટેલ કાર ચલાવી રહ્યો હતો, તેની બાજુની સીટમાં ક્રીશ પટેલ અને પાછળની સીટમાં વંશ બેઠો હતો. રાત્રે આશરે 2:00 વાગ્યે એસ.પી. રીંગ રોડ પર ભાડજથી ઓગણજ તરફ જતા વખતે પ્રિન્સ પટેલે પોતાનો તથા અન્યનો જીવ જોખમાય તે રીતે પૂરઝડપે કાર ચલાવતા રોડ પર બમ્પ આવવાથી સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઈને પલ્ટી ખાઈ રોડની બીજી બાજુ પડી હતી. આ અકસ્માતમાં ચાલક પ્રિન્સ પટેલને મોઢા તથા શરીરે અને ક્રીશ પટેલને ડાબા હાથની કોણીથી ઉપરના ભાગે તથા શરીરે ઈજાઓ થઈ હતી, જ્યારે પાછળ બેઠેલા વંશને માથામાં જમણી બાજુ કાનની ઉપરના ભાગે ગંભીર ઈજાઓ અને શરીરે અન્ય ઈજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાત્રે આશરે 2:15 વાગ્યે ફરિયાદીને તેમની પુત્રવધૂનો ફોન આવતા તેઓ પાડોશી સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઈમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે વહેલી સવારે 4:00 વાગ્યે વંશને મૃત જાહેર કર્યો હતો. જે અંગે ફરિયાદીએ કાર ચાલક પ્રિન્સ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

જાહેરાત

બીજી ઘટના : રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને રિક્ષા ચાલકે મારી ટક્કર, સારવાર દરમિયાન મોત

જુના વાડજ ખાતે રહેતા 39 વર્ષીય ફરિયાદી ચિરાગ પરમારના 75 વર્ષીય પિતા કાંતીલાલ પરમાર ગત તારીખ 09 નવેમ્બરે દિવાળીના તહેવારો દરમિયાન દધીચી બ્રીજ પાસે આવેલા દુધનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. તે દિવસે બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે તેઓ દુધનાથ મહાદેવ મંદિરની સામે મેલડીમાતા સર્કલથી જુના વાડજ સર્કલ તરફ જતો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક ઓટોરીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પૂરઝડપે ચલાવી તેમને ટક્કર મારી દીધી હતી, જેના કારણે તેઓ નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ પાડોશી મિત્ર જતીન પરમારે ફોન કરીને કરતા મૃતકના પુત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગભરાટમાં અન્ય રીક્ષા બોલાવી પિતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તે સમયે અકસ્માત કરનાર ઓટોરીક્ષાના ચાલકે પોતે પાછળ હોસ્પિટલ આવે છે તેમ જણાવ્યું હતું. જેથી ચિરાગે રીક્ષાનો નંબર નોંધ્યો ન હતો પરંતુ તે ચાલક હોસ્પિટલ આવવાને બદલે ત્યાંથી ભાગી ગયો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વૃદ્ધને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 11 નવેમ્બરે 2:05 વાગ્યે ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોતાની રીતે તપાસ કરવા છતાં અકસ્માત કરનાર રીક્ષાચાલકનું નામ-ઠામ કે નંબર ન મળતા અંતે ફરિયાદીએ અજાણ્યા ઓટોરીક્ષાના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ ફરિયાદ નોંધાવી છે.

ત્રીજી ઘટના : મોપેડ ચાલકની ટક્કરે ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

ત્રીજી ઘટનામાં કુબેરનગર વિસ્તારમાં નરોડા પાટીયા એસ.ટી. વર્કશોપ સામે આવેલી સોસાયટીનામાં રહેતા 22 વર્ષીય ફરિયાદી દિવ્યાંશુ આહુજાના 63 વર્ષીય પિતા ગોપાલદાસ આહુજા કાલુપુર પાંચકુવા પાસે એક દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. 29 ઓક્ટોબરે સાંજે આશરે 6:30 વાગ્યાની આસપાસ ગોપાલદાસ પોતાની નોકરીની દુકાનેથી ચાલતા ફર્નાન્ડીઝ બ્રીજ ખાતે સામાન ખરીદીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ખાડિયા ચાર રસ્તા પાસે જાહેર રોડ પર પાછળથી આવેલા કોઈ અજાણ્યા મોપેડ ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી તેમને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને ડાબા ખભા અને પાંસળીઓના ભાગે ફ્રેક્ચરની ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે નરોડા પાટીયા ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદી દિવ્યાંશુ રાત્રે આશરે 8:00 વાગ્યે નોકરીથી ઘરે પરત ફર્યા ત્યારે માતા ઘરે હાજર ન હોવાથી ફોન કરતા તેમને આ બનાવની જાણ થઈ હતી અને તેઓ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં હાજર માતા અને કાકાએ તેમને સમગ્ર ઘટનાની વિગત જણાવી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર દરમિયાન 9 નવેમ્બરે બપોરે આશરે 2:00 વાગ્યે કાકાનો ફોન આવતા ફરિયાદીને તેમના પિતાના અવસાનની જાણ થઈ હતી, જે બાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી પછી ફરિયાદીએ અજાણ્યા મોપેડ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત