Ahmedabadમાં 3 વર્ષમાં ઘરેલુ હિંસાના 12,721 કેસ, લગ્નેતર સંબંધો અને માનસિક પ્રતાડના બન્યા મોટા કારણો

એક સમય હતો જ્યારે ઘર એટલે હૂંફ, વિશ્વાસ, સમજણ અને સુરક્ષાનું પ્રતીક ગણાતું હતું. દિવસભરના થાક બાદ પરિવાર સાથેની થોડીક વાતચીત પણ માનવીને માનસિક શાંતિ આપતી હતી. પરંતુ બદલાતી જીવનશૈલી, વધતી અપેક્ષાઓ, આર્થિક દબાણ, સોશિયલ મીડિયાનો અતિરેક અને સંબંધોમાં ઘટતી સહનશક્તિએ હવે ઘરના વાતાવરણને પણ તણાવપૂર્ણ બનાવી દીધું છે. જે ઘરમાં બે વ્યક્તિએ સાથે મળીને જીવન વિતાવવાનાં સપનાં જોયાં હતાં, એ જ ઘરમાં આજે અહંકાર, શંકા, અસહમતી અને મારઝૂડ જેવી ઘટનાઓ સંબંધોને તોડી રહી છે. અમદાવાદમાં ઘરેલુ હિંસાને લગતા છેલ્લા 3 વર્ષના આંકડા આ સામાજિક પરિવર્તનની અત્યંત ગંભીર તસવીર રજૂ કરે છે.
'અભયમ' પર આવતો દર બીજો ફોન ઘરેલુ હિંસાનો
181 અભયમ મહિલા હેલ્પલાઈનના આંકડા અનુસાર, છેલ્લા 3 વર્ષમાં અમદાવાદમાંથી કુલ 24,136 મહિલાઓએ વિવિધ પારિવારિક અને ઘરેલું સમસ્યાઓના સંદર્ભમાં મદદ માટે સંપર્ક કર્યો હતો. તેમાંથી 12,721 ફરિયાદો એટલે કે 52.7 ટકા જેટલી ફરિયાદો ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચાર સંબંધિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો, હેલ્પલાઈન પર મદદ માટે આવેલા દર 2 ફોનમાંથી 1 કરતાં વધુ ફોન પાછળ ઘરની ચાર દીવાલો વચ્ચે થતી હિંસાની પીડા છુપાયેલી હતી.
ત્રણ વર્ષમાં ઘરેલુ હિંસાની ફરિયાદોનું ચિત્ર
આ આંકડા માત્ર પતિ-પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાની વાત નથી કરતા, પરંતુ અનેક પરિવારોમાં મહિલાઓએ સહન કરવી પડતી શારીરિક અને માનસિક યાતનાઓ દર્શાવે છે. સાસરિયાં દ્વારા મારપીટ, અપમાન, ગાળાગાળી, સતત માનસિક દબાણ અને ઘરમાંથી કાઢી મૂકવા જેવી ઘટનાઓ પણ આ ચિત્રનો ભાગ છે.
હેલ્પલાઈનના વર્ષવાર આંકડા જોઈએ તો વર્ષ 2024માં ઘરેલુ હિંસાની 4,721 ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ 2025માં આ સંખ્યા 4,489 રહી હતી, જ્યારે વર્ષ 2026માં 24 ઓક્ટોબર સુધીના અહેવાલમાં 3,511 ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે. આમ, 3 વર્ષમાં કુલ 12,721 ફરિયાદ સામે આવી છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં ફરિયાદોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ 2026ના આંકડા પણ હજુ ચિંતાજનક છે.
માનસિક પ્રતાડના અને લગ્નેતર સંબંધો બન્યા મોટું કારણ
છેલ્લા 3 વર્ષના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો ચોંકાવનારી વિગતો સામે આવે છે. આ 3 વર્ષમાં 3,984 કિસ્સાઓમાં મહિલાઓએ ગંભીર શાબ્દિક દુર્વ્યવહાર અને માનસિક પ્રતાડનાનો સામનો કર્યો હતો. જ્યારે 1,395 કિસ્સાઓમાં પારિવારિક વિવાદ એટલી હદે વકર્યો હતો કે પરિણીત મહિલાઓને સાસરીનું ઘર છોડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, છેલ્લા 3 વર્ષમાં લગ્નેતર સંબંધો અને વર્ચ્યુઅલ જોડાણોને લગતા 1,168 કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં વર્ષ 2024માં આવા 452 કિસ્સા નોંધાયા હતા, જે વર્ષ 2025માં ઘટીને 392 અને વર્ષ 2026માં 324 થયા હતા.
પરિવારના ઝઘડામાં માસૂમ બાળકોનો ભોગ
પારિવારિક વિખવાદની સીધી અસર માસૂમ બાળકો પર પણ પડી રહી છે. છેલ્લા 3 વર્ષમાં બાળકોની મુલાકાત, કસ્ટડી અને માતા-પિતાથી અલગ થવા સંબંધિત 714 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન અને કાઉન્સેલરની મદદ લેવાની જરૂર પડી હતી. વર્ષવાર વિગતો મુજબ વર્ષ 2024માં આવા 283 કિસ્સા હતા, જે વર્ષ 2025માં 234 અને વર્ષ 2026માં 197 નોંધાયા હતા.
સંવાદ અને સહનશક્તિ ઘટતાં કેસમાં વધારો
મનોવિજ્ઞાનીઓ અને પરિવારના પ્રશ્નો સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે, આજના સમયમાં પરિવારોમાં સંવાદ અને સહનશક્તિ ઘટતી જાય છે. પહેલાં સંયુક્ત પરિવારમાં વડીલોની હાજરીને કારણે પતિ-પત્ની વચ્ચેના નાના મતભેદનો ઉકેલ આવી જતો હતો. જોકે, હવે વિભક્ત પરિવારોનું પ્રમાણ વધતાં અનેક દંપતીઓને પોતાના પ્રશ્નોનો ઉકેલ જાતે જ શોધવો પડે છે.
આર્થિક જવાબદારીઓ, મોંઘવારી, લોનના હપ્તા, જીવનશૈલી જાળવવાની હોડ અને સામાજિક અપેક્ષાઓ પણ માનસિક તણાવ વધારે છે. આવા સંજોગોમાં નાની બાબતોમાં ગુસ્સો, એકબીજાની વાત ન સાંભળવી અને પોતાની વાત જ સાચી હોવાનો આગ્રહ સંબંધોમાં અંતર ઊભું કરે છે. કેટલાક કિસ્સાઓમાં વ્યસન, જુગાર અને આર્થિક બેદરકારી પણ ઘરેલુ વિવાદને હિંસક બનાવે છે. સંબંધોમાં સત્તા જમાવવાની વૃત્તિ અને મહિલાને સમાન દરજ્જો ન આપવાની માનસિકતા પણ ઘરેલુ હિંસાના મહત્ત્વનાં કારણો બની શકે છે.
અત્યાચાર સહન કરવો એ સમાધાન નથી
ઘરની ચાર દીવાલો વચ્ચેનો ત્રાસ સહન કરવો એ કોઈ સમાધાન નથી. ઘરેલુ હિંસાની સમસ્યામાં સૌથી મોટો પડકાર એ છે કે અનેક મહિલાઓ સામાજિક બદનામીના ડરથી ફરિયાદ કરતી નથી. બાળકોનું ભવિષ્ય, આર્થિક નિર્ભરતા, પરિવારની પ્રતિષ્ઠા અને લગ્નજીવન તૂટી જવાની બીકને કારણે મહિલાઓ લાંબા સમય સુધી અત્યાચાર સહન કરતી રહે છે. પરંતુ નિષ્ણાતોના મતે, સમયસર કાઉન્સેલિંગ અને હેલ્પલાઈનની મદદ લેવાથી પરિવાર તૂટતા બચાવી શકાય છે અને મહિલાઓને સુરક્ષિત જીવન મળી શકે છે.












