મોંઘવારી છતાં અમદાવાદીઓની દિવાળી ખરીદીમાં ઉત્સાહ, કાપડનો વેપાર અઢી ગણો થવાની શક્યતા; ફટાકડા, મીઠાઈ અને ડ્રાયફૂટ મોંઘાં

મોંઘવારી છતાં અમદાવાદીઓની દિવાળી ખરીદીમાં ઉત્સાહ, કાપડનો વેપાર અઢી ગણો થવાની શક્યતા; ફટાકડા, મીઠાઈ અને ડ્રાયફૂટ મોંઘાં
તસવીર: AI
આ સમાચાર સાંભળો

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનો રાજા ગણાતી દિવાળી માત્ર દીવા પ્રગટાવવાનો કે મીઠાઈ વહેંચવાનો પર્વ નથી. પરંતુ આસ્થા, આનંદ, આશા અને આર્થિક પ્રવૃત્તિઓનો મહાસંગમ છે. પાંચ દિવસનો આ પર્વ અનેક પરિવારો માટે ખુશીઓની સાથે વેપારીઓ માટે આખા વર્ષનો રોજગાર અને આવકનું મોટું માધ્યમ બની રહે છે. માટીથી સોના સુધીની ખરીદીનું વિશેષ મહત્વ ધરાવતી દિવાળી બજારો ધબકાવતી અને અર્થતંત્રને વેગ આપતી હોય છે. જોકે છેલ્લા એક વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, બૂટ- ચપ્પલ, ફટાકડા, ઘર સજાવટની વસ્તુઓ, મીઠાઈ અને ડ્રાઈફૂટ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે. ઉત્પાદનથી લઈને પરિવહન અને વિતરણ સુધી વધેલા ખર્ચનો બોજો અંતે ગ્રાહકના ખિસ્સા પર પડી રહ્યો છે.

સામાન્ય રીતે ચાર સભ્યોના મધ્યમવર્ગીય પરિવાર દિવાળીની ખરીદી માટે કપડાં, મીઠાઈ, ફટાકડા, ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓ પાછળ અંદાજે 16થી 17 હજાર રૂપિયાનું બજેટ રાખે છે. પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે આ જ ખર્ચ વધીને 20થી 21 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ આવકમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. અલબત્ત, મહત્ત્વની બાબત એ છે કે, લોકોએ પણ મોંઘવારીને સ્વીકારી લીધી હોય તેમ વાતોમાં આ અંગે રોદણાં રોવાય છે, પરંતુ બજારમાં ખરીદી માટે લોકો હોંશે હોંશે નીકળી રહ્યા છે. લોકોમાં કેટલાક સમયથી એક પ્રકારની માનસિકતા બંધાઈ ગઈ છે કે, મોંઘુ એટલું સારું! જેના કારણે હવે વધતી મોંઘવારી સામે ખર્ચમાં કાપ મૂકવાના બદલે લોકો કમાણીના નવા ઉપાયો શોધી રાખે છે.

જાહેરાત

હિસાબ કિતાબના લાલ ચોપડાને પણ મોંઘવારી નડી

આજના આધુનિક યુગમાં મોટાભાગનો વ્યાપારિક હિસાબ-કિતાબ કમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં જ થાય છે, છતાંય પરંપરા પ્રત્યેની શ્રદ્ધા યથાવત્ છે. દિવાળીના શુભ પર્વે અમદાવાદના વેપારીઓ ધંધા-રોજગારમાં શુભ-સમૃદ્ધિની કામના સાથે પરંપરાગત લાલ ચોપડાનું પૂજન કરી નવા વર્ષના લેખા જોખાની શરૂઆત કરે છે. કાગળ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાના કારણે 200 રૂપિયામાં મળતો લાલ ચોપડો આ વર્ષે 240એ પહોંચ્યો છે, છતાં તેની માંગ ઘટી નથી. આ જ રીતે ડિજિટલ યુગ વચ્ચે પણ ફિઝિકલ કેલેન્ડરે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. હાલ માઈક્રોકંડ અને રિલિફ રોડની બજારમાં તીથી દર્શાવતા કેલેન્ડરની ધૂમ ખરીદી જોવા મળી રહી છે.

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે ડ્રાયફૂટનો ભાવ વધતા ડ્રાઈડ બેરીની માંગ વધી

મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આયાત-નિકાસની શ્રૃંખલા ખોરવાઈ છે. જેના પગલે બહારથી આવતા કાજુ, બદામ, પિસ્તા, અંજીર સહિતના સૂકામેવાના માંગ-પુરવઠામાં રેશિયોમાં પણ અસર પહોંચતા ડ્રાયફૂટના ભાવમાં અધધ 25થી 30 ટકા વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવે છે. 700 થી 800 રૂપિયા મળતા કાજુનો ભાવ સીધો 900થી 1000એ પહોંચ્યો છે, જ્યારે બદામનો ભાવ પણ 600થી વધીને 1000 થયો છે. જેના લીધે લોકો ડ્રાઈફૂટના બદલે 700થી 800 રૂપિયે મળતી ડ્રાઈડ બેરીની ખરીદી તરફ વળ્યા છે, જેમાં રાસબેરી, બ્લૂ બેરી, ક્રેન બેરી, બ્લેક બેરીની માંગ વધુ છે.

જૂના બજાર સિવાય આ વસ્તુઓ ક્યાંય નહીં મળે! ધનતેરસે હવે ફરી કાંસાનો ડિનર સેટ, પિત્તળની હાંડી અને તવાની ખરીદી

આજે પણ અમુક વસ્તુઓ એવી છે કે જેના માટે અમદાવાદીઓએ માણેક ચોકની કલેશરા બજારની મુલાકાત ચોક્કસ લેવી પડે છે. કારણ કે ભૂતકાળ બની ગયેલા તાંબા, પિત્તળ, કાંસાના વાસણોએ કમબેક કર્યું છે. ધનતેરસના દિવસે ધાતુ ખરીદવું શુભનિશાન માનવામાં આવે છે. ત્યારે ધનતેરસે લોકો હવે ફરી કાંસાનો ડિનર સેટ, પિત્તળની કઢાઈ, હાંડી અને તવાની ખરીદી તરફ વળી રહ્યા છે. બીજી તરફ માત્ર ઘર માટે જ નહીં, પરંતુ કોર્પોરેટ ગિફ્ટિંગમાં પણ ફેન્સી ક્રોકરી, કાચના ડ્રાયફ્રૂટ જાર સેટના બદલે હવે તાંબાની બોટલ અને ડાયરીના સેટ, કાંસાના ડ્રાયફ્રૂટ જાર વગેરેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ દર વર્ષે દિવાળીમાં મંદિરો માટે પિત્તળની આરતીની થાળી, ઘંટ, વગેરેની ખરીદી કરાય છે. તેમજ કેટલાક લોકો ગણેશ-લક્ષ્મીજીની મૂર્તિઓ ઘરે લાવે છે. ઉપરાંત વિવિધ ધાતુના એન્ટિક દીવીએન હોલ્ડર, શો પીસ, વોલ ક્લોક, સ્ટેચ્યુ, વગેરે ખરીદવાના શોખીનો ખરીદી માટે આજે પણ કોટ વિસ્તારની કલેશરા બજારમાં આવે છે. અમદાવાદમાં ઘીપીના મુગાદબાદ અને દક્ષિણ ભારતથી તાંબા-પિત્તળના વાસણો અને એન્ટિક વસ્તુઓ આવે છે.

આસપાસના રાજ્યોમાંથી ખરીદીમાં આવતા લોકો : કાપડ બજારનો વેપાર વધીને અઢી ગણો થયો, મોડી રાત સુધી ધમધમતી દુકાનો

આમ તો હવે બારેમાસ લોકો ફેશન મુજબ કપડાંની ખરીદી કરે છે, પરંતુ આજે પણ કેટલાક લોકો નવા કપડાં ખરીદવા માટે આખું વર્ષ દિવાળીની રાહ જુએ છે. દિવાળીમાં બાળક હોય કે વડીલ, રાજા હોય કે રંક બધા પોતાના યથાશક્તિ મુજબ નવા કપડાંની ખરીદી કરે છે. જેથી કાપડ બજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. રિટેલ બજારમાં રાતના 11 વાગ્યા સુધી દુકાનોમાં ગ્રાહકો ઉમટી રહ્યા છે. અમદાવાદના કાપડ બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, દિવાળીની સીઝનમાં કાપડ બજારનો વેપાર વધીને અઢી ગણો થવાની શક્યતા છે. ટેક્સટાઇલ હબ ગણાતા અમદાવાદમાં આખા ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાંથી લોકો કપડાંની ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ દરેક વસ્તુની જેમ કપડાંની ખરીદીમાં પણ લોકોએ મોંઘવારીનો માર વેઠવો પડી રહ્યો છે. અમદાવાદના વેપારીઓના જણાવ્યા અનુસાર, કપાસની ગાંસડીનો ભાવ પચાસ હજારથી વધી 72 હજાર પહોંચી ગયો છે. ઉપરાંત રેટોન, સિલ્ક સહિત તમામ મટિરિયલના ભાવ વધી ગયા હોવાથી રેડીમેડ કપડાંના સરેરાશ 20થી 25 ટકા મોંઘા થઈ ગયા છે. ઓરિજનલના બદલે બ્લેન્ડેડ મટિરિયલના કપડાંની વધી રહેલી માંગ.

ફટાકડાના ભાવ ભડકે બળ્યા: માચીસ ગન, હેલોવીન અને ડ્રોન બોમ્બ આકર્ષણનું કેન્દ્ર

દિવાળી નજીક આવતા જ દિલ્હી દરવાજા, કાલુપુરની ફટાકડા બજારમાં ઉત્સાહભેર લોકો ખરીદી માટે આવી રહ્યા છે. ત્યારે તારામંડળ, કોઠી, મિર્ચી બૉમ્બ જેવા એવરગ્રીન ફટાકડાની સાથે સાથે આ વર્ષે હેલોવીન બૉમ્બ, ડ્રોન બોમ્બ, કેટપિલર સહિતના નવા ફટાકડાનો અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વર્ષે માચીસ ગન, ડ્રો બોમ્બ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદની બજારોમાં તમિલનાડુના શિવાકાશી અને ઉત્તર પ્રદેશથી ફટાકડા આવે છે. આ વખતે તેમના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લોકો ફટાકડા ખરીદે ચોક્કસ છે, પણ તેનો વ્યાપ ઘટાડી દે છે. છેલ્લાં બે વર્ષથી ઓછું વાયુ અને ધ્વનિ પ્રદૂષણ કરતા ગ્રીન ક્રેકર્સ બજારમાં છવાઈ ગયા છે. જો કે ગ્રીન ક્રેકર્સના નામે સાદા ફટાકડા પણ ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે.

50 પ્રકારની મીઠાઈ, 80 પ્રકારના ફરસાણનું વેચાણ: મીઠાઈ અને ફરસાણમાં જેન-ઝી માટે સ્પેશિયલ વેરાયટીની બજારમાં ધૂમ

મીઠાઈ અને મીઠાઈના વહેવારનો પર્વ એટલે દિવાળી! ગુજરાતમાં બેસતા વરસે આંગણે આવેલું કોઈ પણ વ્યક્તિ મોંઢું મીઠું કર્યા વગર પાછું જવું જોઈએ નહીં એવી વણલખી પરંપરા છે. સોસાયટીના સિક્યોરિટી ગાર્ડથી લઈને મોટી કંપનીઓ, ઉદ્યોગોમાં મીઠાઈ વહેંચી ઉજવણી કરાય છે. ત્યારે પેંડા, મોહનથાળ, કાજુકતરી બાદ આજકાલ જેન-ઝી માટે ખાસ બિસ્કોફ બૉલ, કેફે મોકા બિસ્ક, પિસ્તા-કુનાફા જેવી નવી મીઠાઈ બજારમાં ધૂમ મચાવી રહી છે. જો કે દૂધ, સૂકો મેવો, ખાંડ, રાંધણ ગેસ સહિતની વસ્તુઓના ભાવ વધતા મીઠાઈ પણ મોંઘી બની ગઈ છે.

કિલોએ રૂ.60થી 150 વધારે રકમ ચૂકવવી પડે છે. અમદાવાદમાં 50 પ્રકારની મીઠાઈ વેચાય છે. બીજી તરફ પેકેજ્ડ અને બ્રાન્ડેડ નમકીનના જમાનામાં આજે પણ સ્થાનિક ફરસાણની દુકાનોમાં તૈયાર કરાતા ગાંઠિયા, સેવ, ચેવડો, ચકરી, પુરી, મઠિયા સહિત વિવિધ વસ્તુઓની ખરીદવા અગાઉથી બુકિંગ શરૂ થઈ જાય છે. અમદાવાદની વર્ષો જૂની કાલુપુરની ફરસાણ બજારમાં પણ 80થી વધુ પ્રકારના ફરસાણ વેચાઈ રહ્યા છે. જો કે તેલ, મસાલા, બેસન વગેરેના વધેલા ભાવની અસરના કારણે ફરસાણનો ભાવ કિલોએ સરેરાશ રૂ.40થી 80 જેટલો વધી ગયો છે. અગાઉ કિલોમાં કરાતી ખરીદી હવે અમુક ગ્રામમાં સીમિત બની રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત