તહેવારોની સીઝનમાં મોંઘવારીનો ડામ: રાંધણ ગેસથી લઈને દૂધ-દાળ સુધી તમામ ચીજોના ભાવ ભડકે બળ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રોજીંદી વપરાશની ચીજવસ્તુઓ જેવી કે ઘી, દાળ, ચોખા સહિત રાંધણગેસના ભાવમાં કમરતોડ વધારો નોંધાયો છે જેને પરિણામે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું છે, રાંધણગેસ અને પેટ્રોલ, ડિઝલના પણ ભાવ વધ્યા છે જેથી આ વખતે દિવાળીની ઉજવણી પણ ફિક્કી બની રહે તેવી શક્યતા છે. દિનેદિને વધતી મોંઘવારીને લીધે સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારની મુશ્કેલી વધી રહી છે. આ તરફ, તહેવારોની મોસમમાં જ કાળાબજારિયા, સંગ્રહખોરો અને ભેળસેળિયા તત્વો બેકાબૂ બન્યા છે તેમ છતાં સરકારે મોન ધારણ કરી લીધું છે.
એક તરફ તહેવારોની ખુશી, બીજી તરફ મોંઘવારીની ચિંતા
દિવાળી તહેવારોની રસોઈમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેવા દૂધ અને તેની બનાવટોના ભાવ તો વધ્યા છે. અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો થયો છે. 1 કિલો ઘીનું કાર્ટન રૂ. 630થી વધીને સીધું રૂ.80 એટલે કે, રૂ.50નો સીધો વધારો થયો છે. 500 ગ્રામ શુદ્ધ ઘી પાઉચ રૂ.325થી વધીને રૂ.345 થયું છે. બટર 100 ગ્રામમાં રૂ.3 અને 500 ગ્રામમાં રૂ.15 વધ્યાં છે. એક તરફ ભાવ આસમાને છે તો બીજી તરફ તહેરોના સમયે બજારમાંથી અસલી ઘી ગાયબ થઈ ગયું છે એટલે જ બીજી તરફ, ભેળસેળ ઘી નો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. બજારમાં વિવિધ કઠોળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે જેમકે, તુવેર દાળના કિલોએ રૂ.100થી વધીને સીધી રૂ.130 થઈ છે. મગની દાળનો ભાવ રૂ.120એ પહોંચ્યો છે. આ ઉપરાંત ચણાની દાળનો ભાવ રૂ.80થી વધીને રૂ.95 પ્રતિ કિલો થયો છે. અડદની દાળનો કિલોનો ભાવ રૂ.105 બોલાયો છે.
આ ઉપરાંત, વડોદરા ગેસ લિમિટેડે પણ સીજીએનમાં પ્રતિ કિલો રૂ.1.50 અને ઘરેલું પીએનજીમાં 50 પૈસાનો વધારો ઝીંક્યો છે. દિવાળી પહેલાં લેવાયેલા આ નિર્ણયને કારણે રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો, સ્કૂલ વાન ચાલકો અને નાના પરિવહનકારો આર્થિક રીતે બેઠા થઈ શકે તેમ નથી. 1 નવેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ રૂ.10થી 17 સુધીનો વધારો કરાયો છે. અમદાવાદમાં પેટ્રોલ આશરે રૂ.102 અને ડીઝલ આશરે રૂ.82 પ્રતિ લિટરના ઊંચા સ્તરે વેચાઈ રહ્યું છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે ઘણાં એવા પરિવારો છે, મર્યાદિત આવક વચ્ચે દિવાળીની ઉજવણી કઈ રીતે કરવી એ પણ મોટો સવાલ છે. કાળાબજારિયા, સંગ્રહખોરો અને ભેળસેળિયાઓ તકનો ભરપૂર લાભ મેળવી રહ્યા છે ત્યારે આમ જનતા કારમી મોંઘવારીમાં પીસાઈ રહી છે.
મોંઘવારી નાથવામાં સરકાર નાકામ, દિવાળી પછી સ્થિતિ વકરશે
માત્ર કઠોળ જ નહીં, પરંતુ ચોખાના ભાવમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ચોખાના વિવિધ જાતોના કિલોએ રૂ.20-25 સુધીનો સીધો વધારો નોંધાયો છે. મોંઘવારીનો બીજો મોટો ફટકો ઈંધણ ક્ષેત્રે પડ્યો છે. અદાણી ગેસ સીજીએનના ભાવમાં રૂ.2.30 પ્રતિ કિલોનો વધારો ઝીંક્યો છે. આ વધારા સાથે જ અમદાવાદમાં સીજીએનનો ભાવ રૂ.100.77 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. છેલ્લા 6 મહિનામાં સીજીએનના ભાવમાં ઓછામાં ઓછા 6 વખત વધારો કરાયો છે.







