અમદાવાદમાં સસ્તા દારૂમાં ભેળસેળ કરી મોંઘી બ્રાન્ડ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ, બૂટલેગર ઝડપાયો

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પકડાયા બાદ હવે અમદાવાદમાં પણ સસ્તા દારૂમાં મિલાવટ કરીને મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કુબેરનગર વિસ્તારમાં એક મકાનમાં નિકોલ પોલીસ અને SMCની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન ડુપ્લિકેટ દારૂ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, નિકોલનો સુનિલ માખીજા અને કુબેરનગરનો દિનેશ જંડાવાલા ડુપ્લિકેટ દારૂનું છૂટક વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દિનેશના ઘરે સર્ચ હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન મકાનમાંથી પ્રવાહી ભરેલી ચાર પ્લાસ્ટિક તથા ધાતુની બોટલો અને ચાર ઢાંકણાં મળી આવ્યા હતા.
એક આરોપીની ધરપકડ, ફરારની શોધખોળ તેજ
આ ઉપરાંત બોટલો પર લગાવવામાં આવતા સ્ટીકર, લેબલ અને ખાલી બોટલો અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ સસ્તા દારૂમાં વિવિધ પ્રકારની મિલાવટ કરી તેને મોંઘી બ્રાન્ડના દારૂ તરીકે વેચતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે પોલીસે સુનિલ માખીજાની ધરપકડ કરી છે, જ્યારે દિનેશ જંડાવાલા હાલ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલી વસ્તુઓ અને પ્રવાહીના નમૂનાઓની વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ડુપ્લિકેટ દારૂની બોટલો માટે સ્ટીકર, લેબલ અને ખાલી બોટલો ક્યાંથી મેળવવામાં આવતી હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

