અમદાવાદમાં જ્વેલર્સને ફસાવવાની અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ, કરોડોની છેતરપિંડીમાં વિમાણી પરિવાર ઝડપાયો

અમદાવાદમાં EoW(ઇકોનોમિક ઓફેન્સ વિંગ)માં પોતાને મોટા બિલ્ડર ગણાવી શહેરના જ્વેલર્સ સાથે રૂપિયા 4.45 કરોડના હીરા-સોનાના દાગીનાની છેતરપિંડી આચરવાના આરોપમાં રીઢા ગુનેગાર અનિલ વિમાણી અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી છે. આખો પરિવાર શોરૂમમાં જઈને પોતાની વાકછટા અને વૈભવી જીવનશૈલીનો દેખાડો કરી વેપારીઓનો વિશ્વાસ જીતી લીધો હતો અને ત્યારબાદ પૈસા ચૂકવવામાં બહાના બનાવતો હતો. અગાઉ પણ અનિલ વિમાણી વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ સહિતના પોલીસ મથકોમાં અંદાજે રૂપિયા 15 કરોડની છેતરપિંડીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં હાલ 4 આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને ગુનાની સઘન તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં 4.45 કરોડનું હાઈ-પ્રોફાઈલ જ્વેલરી કૌભાંડ
આ અંગે EoWના ACPએ જણાવ્યું કે, આર્થિક ગુના નિવારણ શાખા, ક્રાઈમ બ્રાંચ અમદાવાદ શહેર ખાતે અનિલ વિમાણી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. અનિલ વિમાણી વિરુદ્ધમાં અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તે ગુનાના કામે તેની ધરપકડ પણ કરવામાં આવેલી હતી. મીડિયાના માધ્યમથી જ્યારે આ આરોપી પકડાયાની માહિતી મળી, ત્યારે અન્ય ભોગ બનનારા લોકો પણ ક્રાઈમ બ્રાંચ પાસે આવ્યા હતા.
ચાર આરોપીની ધરપકડ
સમગ્ર કેસમાં જે ફરિયાદી છે તે પોતે 'ઝવેરી જ્વેલર્સ' નામનો શોરૂમ ધરાવે છે, જેમનું નામ અભિષેક ઝવેરી છે. તેમજ બીજા 3 સાક્ષીઓ પણ છે જેઓ જ્વેલરીનો જ બિઝનેસ કરે છે. આ આરોપી અનિલ વિમાણી , તેની પત્ની વિમી, તેની દીકરી રાજવી, તેનો દીકરો વેદાંત અને તેની દીકરી રાજવીનો પતિ શિવમ ગઢવી, આ બધાએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. તેઓ જ્વેલરીના વેપારીઓને વિશ્વાસમાં લઈ પોતે બહુ મોટા બિલ્ડર છે અને જમીન લે-વેચનું મોટું કામ કરે છે તેવો ઝાંસો આપતા હતા. આ રીતે વિશ્વાસમાં લઈ તેઓએ વેપારીઓ પાસેથી સોના તેમજ ડાયમંડના કુલ 4 કરોડ 45 લાખ રૂપિયાના દાગીના મેળવી લીધા હતા, પણ તેની સામે કોઈ વળતર ચૂકવ્યું ન હતું. જેમાં વેપારી વારંવાર માંગણી કરવા છતાં પણ આરોપી દ્વારા બહાના બનાવતા હતા. જેને લઈને જ્વેલરી માલિકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે અનિલ વિમાણી, તેની પત્ની વિમી, દીકરો વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી લીધી છે અને હાલમાં આ 4 આરોપીઓ રિમાન્ડ ઉપર છે તથા ગુનાની વધુ તપાસ ચાલુ છે.
આરોપીએ અલગ-અલગ ગુનામાં કુલ 15 કરોડની છેતરપિંડી કરી
પોલીસ તપાસ અનુસાર, આરોપીઓએ શરૂઆતમાં થોડા પૈસા આપીને વેપારીઓ સાથે વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ મોટા પ્રમાણમાં સોનું ખરીદીને ભોગ બનનારાઓને પૈસા ચૂકવતા ન હતા. તેઓ પોતાનું કમિશન કે જમીન વેચાણના નાણાં આવવાના છે તેવી વાતો કરી છેતરપિંડી આચરતા હતા. અનિલ વિમાણીએ 3 મહિનામાં પૈસા ચૂકવી દેવાનો ભરોસો આપ્યો હતો, પરંતુ 15 કે 20 દિવસમાં આપી દઉં છું તેમ કહી એનકેન બહાના બતાવી પૈસા આપ્યા ન હતા. આરોપી અનિલ વિમાણી વિરુદ્ધ અગાઉ પણ અમારી પાસે 3 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી, જ્યારે આ કેસમાં 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ છે અને સરખેજમાં પણ ગુનો નોંધાયેલો છે. જેથી તેની સામે કુલ આશરે 15 કરોડ રૂપિયાના ચીટિંગની ફરિયાદો નોંધાઈ છે.
આરોપી સામે હાલમાં જ સીઆઈડી ક્રાઈમમાં પણ ગુનો દાખલ થયો છે. તે પોતાની પર્સનાલિટી એવી રીતે તૈયાર કરતો કે સામેવાળી વ્યક્તિ તેની વાકછટાથી અંજાઈ જતી હતી અને તેણે ચીટિંગના પૈસાથી વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાની આદત કેળવી રાખી હતી. આ ગુનામાં હાલ કોઈ મુદ્દામાલ રિકવર થયો નથી, પરંતુ અગાઉના ગુનામાં પોલીસે લોકર તપાસતા આશરે 9 કરોડ રૂપિયાના દાગીના કબજે કર્યા હતા. આ ખરીદી કરવા માટે આખો પરિવાર સાથે શોરૂમમાં જતો અને મોટી મોટી વાતો કરી જ્વેલર્સવાળાઓને વિશ્વાસમાં લઈ માત્ર આશ્વાસન આપીને વારાફરતી દાગીના ખરીદી લેતો હતો.

