VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી: જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન?
VIDEO: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી
માર્ચ મહિનામાં જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના અનેક ભાગોમાં 18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સાથે પવન ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે.
તારીખ મુજબ વરસાદની આગાહી
18 માર્ચ: આ દિવસે મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જેમાં કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે.
19 માર્ચ: આ દિવસે વરસાદનો વ્યાપ વધશે. સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે.
20 માર્ચ: વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતા ગીર-સોમનાથ, દીવ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળશે.
આમ, માર્ચના મધ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી માહોલ સર્જાતા ખેતીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે, પરંતુ સામાન્ય જનતાને ગરમીથી ચોક્કસપણે મુક્તિ મળશે.

