અમદાવાદમાં રેડી મિક્સ કોંક્રિટ પ્લાન્ટથી વધતા પ્રદૂષણ સામે AMC એક્શનમાં, નવી નીતિ સાથે કરાશે દંડની જોગવાઈ

અમદાવાદમાં રેડી મિક્સ કોંક્રિટ(RMC) પ્લાન્ટમાંથી ફેલાતી સિમેન્ટ, રેતી અને અન્ય ધૂળના કારણે વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) હવે નવી નીતિ બનાવવાની તૈયારીમાં છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અંદાજે 50થી 70 RMC પ્લાન્ટ કાર્યરત હોવાનું જણાવાય છે. હાલના નિયમોમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને નિયમોનું સંપૂર્ણ પાલન કર્યા વિના પ્લાન્ટ ચલાવવામાં આવતા હોવાની રજૂઆતો વચ્ચે હવે નિયમોને વધુ સ્પષ્ટ અને કડક બનાવવામાં આવશે. નિયમનો ભંગ કરનારા પ્લાન્ટ સામે કેટલો દંડ વસૂલવો તેની જોગવાઈ પણ નવી નીતિમાં કરવામાં આવશે.
RMC પ્લાન્ટને લગતા હાલના નિયમોમાં કેટલીક છટકબારીઓ હોવાને કારણે તેનો લાભ લઈને પ્લાન્ટ ચાલુ રાખવામાં આવતા હોવાની રજૂઆતો થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા નવા નિયમો અંગે ચર્ચા કરવામાં આવશે. નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા બાદ પ્લાન્ટ સંચાલકો માટેની જોગવાઈઓ વધુ સ્પષ્ટ બનાવવામાં આવશે.
નિયમ તોડનાર સામે દંડની રકમ પણ નક્કી થશે
હાલમાં નિયમ વિરુદ્ધ RMC પ્લાન્ટ ચાલતો હોય તો તેની સામે કેટલો દંડ વસૂલવો તે અંગે વધુ સ્પષ્ટ વ્યવસ્થા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. નવી નીતિમાં અલગ-અલગ પ્રકારના નિયમભંગ માટે દંડની જોગવાઈ કરવામાં આવશે. આથી માત્ર નોટિસ કે કાર્યવાહી પૂરતી નહીં રહે, પરંતુ નિયમનો ભંગ કરનાર સામે નક્કી કરેલા ધોરણ મુજબ દંડ વસૂલ કરી શકાશે.
માત્ર નિયમો બનાવાશે નહીં, અમલનું મોનિટરિંગ પણ થશે
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે, RMC પ્લાન્ટમાં ચાલી રહેલી ગેરરીતિઓ દૂર કરવા માટે નિયમોમાં સુધારો જરૂરી બન્યો છે. હાલના નિયમોની છટકબારીઓ દૂર કરીને વધુ કડક નિયમો અમલમાં મૂકવામાં આવશે. સાથે જ પ્લાન્ટ ખરેખર નિયમો પ્રમાણે ચાલી રહ્યા છે કે નહીં તેની ચકાસણી માટે મોનિટરિંગ પર પણ ભાર મૂકવામાં આવશે. મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા મુજબ RMC પ્લાન્ટમાંથી ફેલાતી ધૂળનો પણ શહેરના પ્રદૂષણમાં ફાળો છે.
સિમેન્ટ અને રેતીની ધૂળથી આસપાસના વિસ્તારોમાં મુશ્કેલી
RMC પ્લાન્ટની કામગીરી દરમિયાન સિમેન્ટ, ફ્લાય એશ અને રેતીની ધૂળ હવામાં ભળતી હોવાની ફરિયાદો સામે આવે છે. ઉપરાંત પ્લાન્ટ સુધી સામગ્રી પહોંચાડતા અને તૈયાર મિશ્રણ લઈ જતા ભારે વાહનોની અવરજવરથી ધ્વનિ પ્રદૂષણની સમસ્યા પણ ઊભી થતી હોવાની રજૂઆતો કરાઈ હતી. પ્લાન્ટની આસપાસ રહેતા નાગરિકો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બનતી હોવાના કારણે નિયમન વધુ કડક કરવાની માગ ઊઠી છે.
આગામી દિવસોમાં કમિટી સમક્ષ નિર્ણય લેવાશે
RMC પ્લાન્ટ માટેની નવી નીતિ અંગે ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ નિયમોમાં જરૂરી ફેરફાર કરીને તેની અમલવારી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેતુ હવે માત્ર નિયમો ઘડવાનો નહીં, પરંતુ પ્લાન્ટ સંચાલકો તેનું પાલન કરે છે કે નહીં તેની સતત ચકાસણી કરવાનો હોવાનું જણાવાયું છે.
એક વર્ષમાં 180 દિવસ એક્યુઆઇ 350થી વધુ રહ્યો હતો
અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા એક વર્ષમાં 365માંથી 180થી વધુ દિવસ એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી 350 નોંધાતા ખરાબથી ખૂબ ખરાબ શ્રેણીમાં રહ્યો છે. શહેરમાં ચાલતા RMC પ્લાન્ટ્સ, બાંધકામની ધૂળ, ઔદ્યોગિક ધુમાડો અને ભારે વાહનોના ઉત્સર્જનના કારણે પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર મર્યાદા કરતાં 5 ગણું વધી જાય છે. ખાસ કરીને પીરાણા, ચંડોળા, ઓઢવ, વટવા, નિકોલ, એસપી રિંગ રોડ આસપાસના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. હવામાં સિમેન્ટ અને રેતીની ઝેરી ધૂળ ભળતા નાગરિકોમાં અસ્થમા, બ્રોન્કાઇટિસ, આંખોમાં બળતરા અને શ્વાસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.

