અમદાવાદના આ વિસ્તારોમાં 11 ઓગસ્ટે પાણી કાપ રહેશે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને લઈ લેવાયો નિર્ણય

અમદાવાદમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 10 ઓગસ્ટે આવશ્યક મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 11 ઓગસ્ટે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જણાવાયું છે કે મેઈન્ટેનન્સ દરમિયાન સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે. જેના કારણે આગામી દિવસે પાણીના વિતરણ પર સીધી અસર પડશે.
પાણીનો બિનજરૂરી વપરાશ ટાળવા અપીલ
ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી કાપ અથવા ઓછા દબાણથી પાણી મળવાની શક્યતા છે. આ ઉપરાંત રાણીપ અને નવા વાડજ વોર્ડના રહેવાસીઓને પણ પાણી પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે. AMCએ નાગરિકોને અપીલ કરી છે કે 11 ઓગસ્ટે સંભવિત પાણી કાપને ધ્યાનમાં રાખીને જરૂરી માત્રામાં પાણીનો અગાઉથી સંગ્રહ કરી રાખે. તેમજ પાણીનો બિનજરૂરી વપરાશ ટાળીને કરકસરપૂર્વક ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ, મેઈન્ટેનન્સ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો તબક્કાવાર પૂર્વવત કરવામાં આવશે. તેથી નાગરિકોને તંત્રને સહકાર આપવા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

