VIDEO: અમદાવાદના ગોમતીપુરમાં 60 વર્ષ જૂના આવાસોના રિડેવલપમેન્ટમાં વિલંબ, બે વર્ષથી ભાડું ન મળતા રહીશોમાં ભારે રોષ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર ઉદાસીનતા અને ઢીલી નીતિના કારણે ગોમતીપુર વિસ્તારમાં આવેલા લમ્પવાટસ (સ્લમ ક્વૉર્ટ્સ) ના રહીશો પોતાના જ ઘરમાં બેઘર બનવા મજબૂર થયા છે. સરકારની રિડેવલપમેન્ટ યોજના હેઠળ ગોમતીપુર કામદાર મેદાન પાસે આવેલા 60 વર્ષથી વધુ જૂના અને અત્યંત જર્જરિત 300થી વધુ આવાસોને પુનર્વિકસિત કરવાનો નિર્ણય ત્રણ વર્ષ અગાઉ લેવામાં આવ્યો હતો. કોઈપણ મોટી દુર્ઘટના ટાળવા માટે તંત્ર દ્વારા અગાઉ આ મકાનોના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. પરંતુ આ વાતને બે વર્ષ વીતી જવા છતાં મકાન ધારકોને ન તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નિયમિત ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે કે ન તો રિડેવલપમેન્ટની કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિણામે, ગરીબ પરિવારો સ્વખર્ચે ભાડું ભરીને જીવવા મજબૂર બન્યા છે. આ ગંભીર મુદ્દે રહીશો દ્વારા અગાઉ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કામગીરી ઝડપી કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હોવા છતાં AMCના પેટનું પાણી હલતું નથી. તંત્રની આ લાપરવાહી અને ખોટા વાયદાઓથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

