અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું, બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં વરસાદી રમઝટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 17 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં અમરેલી, પંચમહાલ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદમાં આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમીધારે વરસાદ પડ્યો છે. બે દિવસના વિરામ બાદ બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
અમરેલીના બાબરામાં મેઘમહેરથી ખેડૂતો હરખાયા
અમરેલીના રાજુલા, સાવરકુંડલા, ધારી સહિતના વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ મેઘરાજા મહેરબાન થયા બાદ હવે બાબરા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે. જેમાં બાબરા શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં હરખ છવાયો છે અને વધુ વરસાદની આશા વર્તાઈ રહી છે.
પંચમહાલના શહેરામાં બે દિવસ બાદ વરસાદ
બીજી તરફ, પંચમહાલના શહેરામાં બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ સક્રિય થયો છે. જેમાં શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને રાહત મળી હતી. આમ, ફરી વરસાદ વરસતાં ખેડૂતોમાં હરખ છવાયો છે.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ
હવામાન વિભાગ અનુસાર, 17 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે.

