બાવળા પાસે માર્બલના બોક્સની આડમાં દારૂની હેરફેરીનો પર્દાફાશ, ત્રણ આરોપીઓની ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારના રજોડા ગામની સીમમાં દરોડો પાડીને વિદેશી દારૂના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અપનાવેલી અનોખી મોડસ ઓપરેન્ડીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.
માર્બલની આડમાં ચાલતો દારૂનો ધંધો
આરોપીઓ સામાન્ય રીતે કોઈને શંકા ન જાય તે રીતે અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલી 'હનુમાનજી માર્બલ એન્ડ આર્ટ' નામની માર્બલની ઓફિસના ખુલ્લા કંપાઉન્ડમાં માર્બલના મોટા બોક્સ અને સામગ્રીની આડમાં વિદેશી દારૂનો વિશાળ જથ્થો છુપાવીને હેરાફેરી કરી રહ્યા હતા. LCB PIની ટીમે હાથ ધરેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ સ્થળે સરપ્રાઇઝ રેડ કરીને બૂટલેગરોની ચાલબાજી પર પાણી ફેરવી દીધું હતું.
લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયરની કુલ 259 પેટીઓ (5,496 બોટલ/ટીન) જપ્ત કરી હતી, જેની કિંમત ₹13,31,400 થાય છે. આ સાથે દારૂની હેરાફેરીમાં વપરાયેલું ₹10 લાખની કિંમતનું આઇશર ટ્રક, ₹50,000નું સ્કૂટર અને ₹65,000ની કિંમતના 3 મોબાઇલ ફોન મળીને કુલ ₹24,46,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ત્રણ આરોપીઓની ધરપકડ
આ મામલે પોલીસે ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ દીલીપસિંહ રાઠોડ (મૂળ વડનગર, હાલ બાવળા), રમેશચંદ્ર ઉર્ફે રમેશ નકુડા લખુમ્બરા (મૂળ ઉદેપુર, હાલ રજોડા) અને કીશન રામેન્દ્ર ગુર્જર (રહે. ઉદેપુર, રાજસ્થાન) નામના ત્રણ આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

