Ahmedabad / CCTVના વેપારમાં રૂ. 55 લાખની ઠગાઈ: ઝોનલ મેનેજર સામે ગુનો નોંધાયો

Ahmedabad / CCTVના વેપારમાં રૂ. 55 લાખની ઠગાઈ: ઝોનલ મેનેજર સામે ગુનો નોંધાયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં CCTV કેમેરાના વેપારમાં વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી કંપનીના ઝોનલ સેલ્સ મેનેજરે રૂ. 55 લાખની મત્તાનો મુદ્દામાલ બારોબાર વેચી માર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ અલગ-અલગ વેપારીઓ પાસેથી રૂ. 1.07 કરોડનાં બિલ બનાવડાવી માલ પોતાના નરોડા સ્થિત ગોડાઉનમાં ઉતરાવ્યો હતો. આ પછી લાખોનો માલ રોકડેથી બજારમાં વેચી દીધો હતો. વધુમાં વેપારીઓને વિશ્વાસમાં રાખવા કંપનીના બનાવટી ડિલિવરી ચલણ પણ તૈયાર કર્યા હતા. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ઝોનલ મેનેજર અમિત દવે સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, બોડકદેવમાં રહેતા 48 વર્ષીય વેપારી સુરેશ કાતરીયા ગુરુકુળ રોડ પર પોતાનો સીસીટીવી કેમેરાનો વેપાર કરે છે. અગાઉ તેઓ એક કંપની સાથે જોડાયેલા હતા. આ કંપની પાસે ચીનની એક કંપનીની નેશનલ ડિસ્ટ્રિબ્યુટરશિપ હતી, જે ડિસેમ્બર-2024માં અન્ય કંપનીને મળી હતી. આ દરમિયાન સુરેશ કાતરીયા સાથે જુની કંપનીમાં તે સમયે મેનેજર તરીકે કામ કરતા અમિત દવે માર્ચ-2025માં ચીનની કંપનીની ડિસ્ટ્રિબ્યુટરશિપવાળી કંપનીમાં ઝોનલ સેલ્સ મેનેજર તરીકે જોડાયા હતા.

જાહેરાત

આરોપીએ અલગ-અલગ કંપનીના રૂ. 1.07 કરોડના બિલ બનાવડાવ્યા

ઓગસ્ટ-2025માં સુરેશભાઈને રૂ.1 કરોડના સીસીટીવી કેમેરાની જરૂર પડતાં અમિતનો સંપર્ક કર્યો હતો. અમિતે અન્ય વેપારીઓ મારફતે બિલ બનાવી માલ પહોંચાડવાની ખાતરી આપી હતી. તેના આધારે અલગ-અલગ કંપની પાસેથી કુલ રૂ.1,07 કરોડનાં બિલ બનાવડાવવામાં આવ્યાં હતાં.

આરોપીને નાણાંની તાતી જરૂરિયાત હોવાથી રૂ. 55 લાખનો માલ રોકડેથી બારોબાર વેચી માર્યો

જોકે, દિવાળી બાદ પણ માલની ડિલિવરી ન મળતાં 3 ડિસેમ્બર, 2025ના રોજ વેપારીઓની બેઠક મળી હતી. અમિત વેપારીઓને નરોડા ખાતેના ગોડાઉનમાં લઈ ગયો હતો. ત્યાં સ્ટોકની ગણતરી કરતાં રૂ.55થી 57 લાખનો માલ ઓછો હોવાનું જણાયું હતું. અમિતે પૈસાની જરૂરિયાત હોવાથી માલ રોકડેથી વેચી દીધો હોવાનું જણાવ્યું હતું. બાદમાં 30 ડિસેમ્બરે ફેદરા નજીકની હોટલમાં મળેલી બેઠકમાં અમિતે ડિલિવરી ચલણ બતાવ્યાં હતાં, પરંતુ તપાસમાં તે બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.

NVRના સિરિયલ નંબરના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી

પોલીસે બિલમાં દર્શાવેલા NVRના સિરિયલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. NVR એક્ટિવ થતાં ગ્રાહકના મોબાઈલ અને ઈ-મેઈલ પર આવતા OTPની મદદથી પોલીસ ભરૂચની એક હોટલ સુધી પહોંચી હતી. ત્યારબાદ તપાસ એક ખાનગી કંપની સુધી પહોંચી હતી જેના માલિકે જણાવ્યું કે, તેઓ આ માલ અમિત દવે પાસેથી રોકડેથી ખરીદીને લાવ્યા હતા. આ પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમિત દવે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત