અમદાવાદ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: સાવકા પુત્રને દત્તક લઈ જન્મના દાખલામાં પિતાનું નામ બદલવાની મંજૂરી

અમદાવાદ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: સાવકા પુત્રને દત્તક લઈ જન્મના દાખલામાં પિતાનું નામ બદલવાની મંજૂરી
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદની એક જિલ્લા અદાલતે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં એક વ્યક્તિને તેના 14 વર્ષીય સાવકા પુત્રને (પત્નીના અગાઉના લગ્નથી થયેલા પુત્રને) કાયદેસર રીતે દત્તક લેવાની તેમજ બાળકના જન્મના પ્રમાણપત્રમાં જૈવિક (બાયોલોજિકલ) પિતાના નામના સ્થાને પોતાનું નામ દાખલ કરવાની મંજૂરી આપી છે. જોકે, આ નામ બદલવાથી સગીરના મિલકત સંબંધી અધિકારોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે કોર્ટે અત્યંત કડક શરતો લાદી છે.

અધિક જિલ્લા ન્યાયાધીશ એ. એસ. વ્યાસે દત્તક પિતાને કોર્ટની પૂર્વ પરવાનગી વિના બાળકના મિલકત અધિકારોને અસર કરે તેવો કોઈ પણ વ્યવહાર કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, માત્ર નામ બદલવાના કારણે સગીરના વર્તમાન કે ભવિષ્યના જંગમ અથવા સ્થાવર, સંયુક્ત પરિવાર કે પૈતૃક મિલકતોમાં રહેલા હક, ટાઇટલ કે હિતને પ્રતિકૂળ અસર થાય તેવું કોઈ પણ હસ્તાંતરણ, નિકાલ કે વ્યવહાર અરજદાર કોર્ટની પૂર્વ મંજૂરી વિના કરી શકશે નહીં. આ ઉપરાંત કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે બાળકનું નામ બદલવાની મંજૂરી આપતી વખતે કોર્ટ સગીરના નામે કોઈ પણ જંગમ કે સ્થાવર મિલકતમાં કોઈ નવો અધિકાર ઊભો કરી રહી નથી કે કોઈ અધિકાર છીનવી પણ રહી નથી.

જાહેરાત

શું હતો સમગ્ર મામલો?

આ કેસની વિગત મુજબ, સગીર છોકરાની માતાએ વર્ષ 2020માં તેના જૈવિક પિતા સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2023માં તેણે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાવકા પિતાએ બાળકના ઉછેર, શિક્ષણ અને ભરણપોષણની સંપૂર્ણ જવાબારી સ્વીકારી હતી. આ દંપતીએ જૂન 2025માં રજિસ્ટર્ડ દત્તક ખત (એડોપ્શન ડીડ) કરાવ્યો હતો અને ત્યારબાદ બાળકના જન્મના રેકોર્ડમાં પિતાનું નામ બદલવાની મંજૂરી મેળવવા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

બાળકનું હિત સર્વોપરી : કોર્ટ

મ્યુનિસિપલ જન્મ અને મરણ નોંધણી સત્તાવાળાઓને બાળકના રેકોર્ડમાં જરૂરી સુધારા કરવાનો નિર્દેશ આપતા કોર્ટે અવલોકન કર્યું હતું કે બાળકનું કલ્યાણ અને હિત સર્વોપરી છે. જૈવિક પિતાના નામના સ્થાને દત્તક પિતાનું નામ ઉમેરવાથી ભવિષ્યમાં શાળામાં પ્રવેશ, પાસપોર્ટની અરજી, બેંક ખાતા ખોલાવવા અને અન્ય કાયદાકીય બાબતોમાં ઊભી થતી મુશ્કેલીઓ નિવારી શકાશે.

સગીરની આર્થિક સુરક્ષા માટે 50 હજારની એફડીનો આદેશ

સગીરના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે કોર્ટે દત્તક પિતાને બાળકના નામે રૂ. 50,000ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખોલાવવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી બાળક 18 વર્ષનું પુખ્ત વયનું ન થાય ત્યાં સુધી આ ડિપોઝિટ તેની માતાના વાલીપણા હેઠળ બાળકના નામે જ સુરક્ષિત રાખવાની રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત