AMCમાં સંકલનના અભાવે રૂ. 168 કરોડનો પ્રોજેક્ટ રદ: હવે 1,000 કરોડથી વધુના ખર્ચે નવી ટ્રાફિક સિસ્ટમ

AMCમાં સંકલનના અભાવે રૂ. 168 કરોડનો પ્રોજેક્ટ રદ:  હવે  1,000 કરોડથી વધુના ખર્ચે નવી ટ્રાફિક સિસ્ટમ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વહીવટમાં સંકલનના અભાવનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી માટે મ્યુનિ. તંત્રએ એક જ પ્રકારના કામ માટે બે અલગ-અલગ ટેન્ડર બહાર પાડી દીધા હતા. બંને પ્રોજેક્ટના વિસ્તારો એકબીજામાં ભળી જતા (ઓવરલેપ થતા) હોવાનું ધ્યાન પર આવતા આખરે તંત્રએ રૂ. 168 કરોડનો જૂનો પ્રોજેક્ટ રદ કરવાની ફરજ પડી છે.

શું હતો સમગ્ર મામલો?

AMCની સ્માર્ટ સિટી કંપની (SCADL) દ્વારા ગત વર્ષે 27 નવેમ્બરે 'સેફ એન્ડ સિક્યોર અમદાવાદ' (SASA) ફેઝ-2 હેઠળ રૂ. 168 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં શહેરના 100થી વધુ ટ્રાફિક સિગ્નલ, 88 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ, 17 ફ્લાયઓવર-અંડરપાસ અને રિવરફ્રન્ટના 250 સ્થળો મળી કુલ 7,000 સીસીટીવી કેમેરા લગાવવાના હતા.

જાહેરાત

બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 350 જંક્શન પર 'એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ' (ATCS) માટે નવું ટેન્ડર બહાર પાડ્યું હતું. જોકે, પાછળથી ખ્યાલ આવ્યો કે SASA પ્રોજેક્ટ હેઠળ આવતા 100 સિગ્નલો આ નવા 350 જંક્શનની યાદીમાં પણ સામેલ થઈ ગયા છે. આથી તંત્રએ SASA પ્રોજેક્ટનું ટેન્ડર રદ કરી દીધું છે.

હવે રૂ. 1,000 કરોડથી વધુનો ખર્ચ થશે SASA પ્રોજેક્ટ રદ કર્યા બાદ હવે AMC માત્ર 'એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ' પર આગળ વધશે, જેમાં 350 જંક્શન પર નવા સીસીટીવી કેમેરા લગાવવા ઉપરાંત 130 જૂના જંક્શનના કેમેરા અપગ્રેડ કરાશે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1,000 કરોડ આંકવામાં આવી રહ્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ ખર્ચ વધીને બમણો પણ થઈ શકે છે. અગાઉ ગત વર્ષે 24 જાન્યુઆરીએ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટની નિમણૂક માટે રૂ. 1.80 કરોડ મંજૂર કર્યા હતા.

નવી સિસ્ટમથી વાહનચાલકોને શું ફાયદો થશે?

એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, RTO અને પકવાન ચાર રસ્તા જેવા ભારે ટ્રાફિક ધરાવતા જંક્શન પર હાલ સિગ્નલના ટાઇમર ફિક્સ હોય છે, જેથી ટ્રાફિક ઓછો હોય ત્યારે પણ વાહનચાલકોએ રાહ જોવી પડે છે. નવી સિસ્ટમમાં નીચે મુજબની સુવિધાઓ મળશે:

ઓટોમેટિક સિગ્નલ ટાઇમર: સેન્સર અને કેમેરા ટ્રાફિકની ગીચતા માપીને સિગ્નલનો સમય આપમેળે બદલશે.

વૈકલ્પિક રૂટની જાણકારી: અકસ્માત કે વાહન બંધ પડવાના કારણે ટ્રાફિક જામ થાય તો 'વેરિયેબલ મેસેજિંગ ડિસ્પ્લે' (VMD) બોર્ડ પર વૈકલ્પિક રૂટ દર્શાવવામાં આવશે.

ઓનલાઇન ઈ-મેમો: ઓવરસ્પીડિંગ કરતા વાહનોની નંબર પ્લેટ ઓળખીને સિસ્ટમ દ્વારા સીધા ઈ-મેમો જનરેટ થશે.

રદ થયેલા SASA પ્રોજેક્ટમાં કઈ સુવિધાઓ મળવાની હતી?

રદ કરાયેલા SASA પ્રોજેક્ટ હેઠળ સોલા, ચાંદખેડા, સાબરમતી, બોડકદેવ, જોધપુર, સરખેજ, નરોડા, સરદારનગર, રામોલ, ઓઢવ અને વટવા GIDC જેવા વિસ્તારોના એન્ટ્રી પોઈન્ટ પર કેમેરા લાગવાના હતા. તેમાં ટ્રાફિક નિયમ ભંગ ઉપરાંત ખુલ્લા કાટમાળ સાથે જતી ટ્રકો, વાહનની બહાર નીકળેલા સળિયા, પ્રતિબંધિત વાહનોની એન્ટ્રી અને રસ્તા પર રખડતા ઢોરની ઓળખ કરવાની ટેકનોલોજીનો પણ સમાવેશ થતો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત