સોમનાથ મંદિર વિસ્તારમાં નોન-વેજ પર પ્રતિબંધ યથાવત; વધુ સુનાવણી 16 ડિસેમ્બરે

સોમનાથ મંદિર વિસ્તારમાં નોન-વેજ પર પ્રતિબંધ યથાવત; વધુ સુનાવણી 16 ડિસેમ્બરે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં નોન-વેજ (માંસાહારી) ખોરાક અને ઈંડાના વેચાણ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હાલ પૂરતો યથાવત રહેશે. ગુજરાત હાઈકોર્ટે બુધવારે આ મામલે રાજ્ય સરકારની અપીલ પરની સુનાવણી આગામી 16 ડિસેમ્બર પર મુલતવી રાખી છે, જેના કારણે પ્રતિબંધનો વચગાળાનો હુકમ અમલમાં રહેશે.

સુપ્રીમ કોર્ટની ટકોર અને હાઈકોર્ટનું વલણ

અગાઉ રેસ્ટોરન્ટ માલિકોએ હાઈકોર્ટના વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે ગત ૬ નવેમ્બરના રોજ તેમની સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ફગાવી દીધી હતી અને ગુજરાત હાઈકોર્ટને આદેશ મળ્યાના બે મહિનામાં રાજ્ય સરકારની પડતર અપીલનો નિકાલ કરવા નિર્દેશ આપ્યો હતો. કાર્યકારી ચીફ જસ્ટિસ માનશ રંજન પાઠક અને જસ્ટિસ નિર્ઝર દેસાઈની ડિવિઝન બેન્ચ સમક્ષ સરકારી વકીલ જી. એચ. વિર્કે સુપ્રીમ કોર્ટના આદેશની જાણ કરી નિયત સમયમર્યાદામાં સુનાવણી પૂર્ણ કરવા વિનંતી કરી હતી.

જાહેરાત

કોર્ટમાં સામસામી દલીલો

રેસ્ટોરન્ટ માલિકો તરફથી હાજર રહેલા એડવોકેટ અસરાર મન્સૂરીએ વચગાળાની રાહત માંગતા રજૂઆત કરી હતી કે, "હવે દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તેથી અમને અમુક નિયંત્રણો સાથે ધંધો કરવાની મંજૂરી આપવી જોઈએ."
જોકે, સરકારી વકીલે આ માંગનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે સરકાર અપીલ ચલાવવા માટે તૈયાર છે અને અરજદારોના વર્તન અંગેના મુદ્દાઓ પણ સોગંદનામા દ્વારા કોર્ટના રેકોર્ડ પર મૂકવામાં આવશે. બંને પક્ષોની દલીલો બાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ૩૦ ઓક્ટોબરના રોજ અપાયેલો વચગાળાનો મનાઈ હુકમ આગામી સુનાવણી સુધી યથાવત રહેશે.

શું છે સમગ્ર વિવાદ?

ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગત ૧૦ ઓગસ્ટના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણમાં આવેલા સોમનાથ મંદિરના ૫૦૦ મીટરના પરિઘમાં અને નિર્ધારિત રૂટ પર માંસાહારી ખોરાક તથા ઈંડા બનાવવા, વેચવા કે તેનો સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

રેસ્ટોરન્ટ માલિકોની દલીલ: કાયદો સત્તાધીશોને આવો પ્રતિબંધ મૂકવાની સત્તા આપતો નથી અને તેનાથી તેમના વ્યવસાયના મૂળભૂત અધિકાર પર તરાપ વાગે છે.

સરકારનો પક્ષ: સોમનાથ મંદિરનું ધાર્મિક મહત્ત્વ અને અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ૩૦ ઓક્ટોબરે હાઈકોર્ટના સિંગલ જજે જાહેરનામું રદ કર્યું હતું, પરંતુ તે જ દિવસે રાજ્ય સરકારે ડિવિઝન બેન્ચમાં અપીલ કરતા સિંગલ જજના આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. હવે આ મામલે વધુ સુનાવણી ૧૬ ડિસેમ્બરે થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત