અમદાવાદના ઈસનપુરમાં મંદિરમાં આગ અને ગાડીમાં તોડફોડ , પોલીસ તપાસ શરૂ

અમદાવાદના ઈસનપુરમાં કિન્નર સમાજના માતાજીના મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘરમાં જ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું જે આખું આગમાં લપેટાઈ ગયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કિન્નર સમાજમાં ઝઘડો થયા બાદ આ આગ લાગી હતી. ઈસનપુર પોલીસે મંદિરમાં આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તે દિશામાં તપાસ આરંભી છે.
કિન્નર સમાજના માતાજીના મંદિરમાં આગનો બનાવ
મળતી માહિતી પ્રમાણે, શહેરના ઈસનપુર વિસ્તારના ગોવિંદવાડી પાસે કિન્નર સમાજના એક ઘરમાં માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે. આ મંદિરમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક બે ફાયર ફાઈટરે સ્થળ પર પહોંચી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગના પગલે મંદિરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સાથે પાસેના એક રૂમમાં પણ આગ પ્રસરી હતી.
એક ગાડીમાં તોડફોડ પણ સામે આવી
મંદિરમાં આગ લાગવાને કારણે ત્યાં આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ દ્વારા તપાસ કરાતા સામે આવ્યું કે, એક ગાડીમાં પણ તોડફોડ થઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઈસનપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આગ લાગી કે લગાડવામાં આવી તે દિશામાં તપાસ
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યાં કિન્નર સમાજના માતાજીનું મંદિર છે. ત્યાં કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેના પગલે આ ઘટના બની હોઈ શકે. ત્યારે આ મંદિરમાં આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.










