અમદાવાદ ફ્લાવર શો-2027: શહેરીજનો માટે 'ટેરેરિયમ કોમ્પિટિશન' નું આયોજન, 30 નવેમ્બરે યોજાશે ખાસ વર્કશોપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર 'અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો–2027' અંતર્ગત પ્રકૃતિપ્રેમી શહેરીજનો માટે ખાસ ટેરેરિયમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને છોડ પ્રત્યે લોકોમાં રૂચિ વધે તે હેતુથી આ સ્પર્ધા યોજાઈ રહી છે.
નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન: 30 નવેમ્બરે વર્કશોપ
નાગરિકો ટેરેરિયમ બનાવવાની કળા શીખી શકે તે માટે AMCના ગાર્ડન વિભાગ દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરાયું છે:
તારીખ અને સમય: 30 નવેમ્બર, 2026 (સવારે 11:00થી બપોરે 12:00 વાગ્યા સુધી)
સ્થળ: ગાર્ડન વિભાગની મધ્યસ્થ કચેરી, રસાલા ગાર્ડન, લો ગાર્ડન પાસે
સ્પર્ધા અને રજીસ્ટ્રેશનની મહત્ત્વપૂર્ણ વિગતો
ઓનલાઈન રજિસ્ટ્રેશન: સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકોએ AMCની સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર જઈ 'AMC Events' સેક્શનમાં 'Terrarium Competition' પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે.
કૃતિ જમા કરાવવાની તારીખ: સ્પર્ધકોએ તૈયાર કરેલા ટેરેરિયમ આગામી 15 ડિસેમ્બર, 2026 સુધીમાં સવારે 10:00થી સાંજે 5:00 વાગ્યા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક (ગેટ નંબર–2) ખાતેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
ઈનામ અને પ્રદર્શન: નિષ્ણાત જ્યુરી દ્વારા સૌથી સુંદર અને કલાત્મક ટેરેરિયમની પસંદગી કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરાશે. આ ઉપરાંત, તમામ સ્પર્ધકોની કૃતિઓને ફ્લાવર શો–2027માં મુલાકાતીઓ માટે પ્રદર્શનમાં મૂકવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ, શાળા-કોલેજો અને તમામ શહેરીજનોને આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.















