Video: 2.47 કરોડના ખર્ચે તૈયાર થયેલી આંબેડકર લાયબ્રેરીનું ઉદ્ઘાટન, amc તંત્ર CCTV લગાવવાનું જ ભૂલ્યું

સોર્સ: gstv

સંવિધાન દિવસ નિમિત્તે શહેરના સરદારનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ડો. બાબાસાહેબ આંબેડકર લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અંદાજે 2.47 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ લાયબ્રેરીમાં 214 વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકશે. જોકે, લાખો-કરોડોના ખર્ચ વચ્ચે બિલ્ડિંગ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CCTV કેમેરા જ લગાવવામાં ન આવ્યા હોવાની બાબત સામે આવી છે..અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વાંચન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 2.47 કરોડના ખર્ચે એક માળની લાયબ્રેરી તૈયાર કરવામાં આવી છે. જેમાં બે રીડિંગ રૂમ અને ડિજિટલ રીડિંગ રૂમની સુવિધા સાથે કુલ 214 વિદ્યાર્થીઓ એકસાથે બેસીને અભ્યાસ કરી શકશે. નરોડા, સરદારનગર, કુબેરનગર અને કોતરપુર સહિતના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ સુવિધા ઉપયોગી બનશે.સંવિધાન દિવસે યોજાયેલા આ લોકાર્પણ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. પ્રધુમન વાજાએ લાયબ્રેરીને વ્યક્તિના ઘડતરનું મંદિર ગણાવી શિક્ષણ અને જાગૃતિ પર ભાર મૂક્યો હતો. તો શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ લઈ IPS અને IAS બનવાની અપીલ કરી હતી.બીજી તરફ, કરોડોના ખર્ચે બનેલી આ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ અને બિલ્ડિંગની સુરક્ષા માટે કોર્પોરેશન દ્વારા CCTV કેમેરા લગાવવામાં ન આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જોકે આ અંગે તંત્રનું કહેવું છે કે તે આયોજન હેઠળ છે અને આગામી દિવસોમાં લગાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત