મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કબ્રસ્તાનમાં કાળા નાગની વિધિ કરવાની છે કહી, તાંત્રિકે મહિલા પાસેથી 14 લાખ પડાવ્યા

અમદાવાદ: વિધવા મહિલા સાથે તાંત્રિક વિધીના નામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બ્લેક મેજિક બાબા ઉર્ફે રા

કબ્રસ્તાનમાં કાળા નાગની વિધિ કરવાની છે કહી, તાંત્રિકે મહિલા પાસેથી 14 લાખ પડાવ્યા

અમદાવાદ: વિધવા મહિલા સાથે તાંત્રિક વિધીના નામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બ્લેક મેજિક બાબા ઉર્ફે રામ પ્રતાપ ભાર્ગવ અને ગુરુ માતા ઉર્ફે વિજેન્દ્ર દેવી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઢોંગીઓએ મહિલાને એવી ડરાવી હતી કે,  જો વિધી નહિ કરાવે તો તારું મોત થઈ જશે. ત્યાર બાદ વિવિધ વિધીઓનાં બહાને ટૂકડે-ટૂકડે પૈસા પડાવ્યાંનું કારસ્તાન સામે આવ્યું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ તાંત્રિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

YOUTUBE પરથી થયો સંપર્ક

પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે, આ વિધવાના પતિ અને દીકરાનું 2024મા અવસાન થયું હતું. અને ત્યારથી તે એકલવાયુ જીવન વિતાવે છે. ત્યારે એકવખત તેને યુટ્યુબ જોતી વખતે 'Baba Ji' નામની એક ચેનલની ફીડ મળે છે અને તેમાં તાંત્રિકના ફોન નંબર સહિતની વિગતો ઉપલબ્ધ હતી. મહિલાએ આ ફોન નંબર પર કોલ કરીને પોતાના દીકરા અને પતિના મૃત્યુ વિશે વાત કરી હતી. 

પછી શરુ થયો પૈસા પડાવવાનો ખેલ!

આ ઢોંગી બાબા (રામ પ્રતાપ ભાર્ગવ સન ઓફ ધનરાજ) એ મહિલાની વાત સાંભળીને જણાવ્યું કે, 'કોઇએ તારા ધરમાં તાંત્રીક વિદ્યા કરેલી છે. જેને દુર કરવા માટે રૂ.૧૦,૦૦૦/- થશે.' અને પછી યુપીઆઈથી મહિલાએ પહેલા 3 હજાર અને પછી 7 હજાર મોકલી આપ્યા હતા. જેના થોડાક જ સમય બાદ આ ઢોંગી બાબાએ મહિલાને જણાવ્યું હતું કે, તમારા ઉપર કોઇએ અઘોરી વિદ્યા કરેલી છે, જેના માટે લેડીઝ તાંત્રીક ગુરૂ માતાની જરૂર પડશે. ત્યાર બાદ આ અધોરી બાબાએ મહિલા તાંત્રીકનો સંપર્ક નંબર મોકલી આપ્યો હતો. મહિલાએ ફોન પર વાત કરતા વિજેંદ્રાદેવી નામની મહિલા તાંત્રીકે ધમકી આપી હતી કે, 'તમારી પર કોઇ એ મેલી વિદ્યા કરી છે, તુ પણ થોડા ટાઇમમાં મરી જઇશ એનાથી બચવા તારા માટે તાંત્રીક વિદ્યા કરવી પડશે. જેનો ખર્ચ રૂ: ૧,૭૩,૧૦૦/- આપવા પડશે નહીતર તારુ મોત થઈ જશે.'

'કોઇએ તારા પર મેલી વિદ્યા કરેલી છે..'

પોતાનું મોત થઈ જશે એવું સાંભળીને આ મહિલા ગભરાઈ ગઈ હતી અને વિનંતી કરી કે, મને થોડો ટાઇમ આપો હું પૈસા આપી દઈશ. આ વિજેન્દ્રાદેવીએ ૧,૭૦,૦૦૦/-કુરીયરથી મોકલવાનું કહેતા મહિલાએ આંગડીયા દ્વારા નાસીક રૂપિયા મોકલી આપ્યા હતા. અહીં સુધીમા આ ઠગબાજો અટક્યા નહીં અને તેઓએ ફરી મહિલાને ડરાવી અને કહ્યું કે તારા પર વધારે મેલી વિદ્યા કરેલી છે. હજી તારે વધુ વિધીઓ કરાવવી પડશે, આમ કહીને તાંત્રીક વિધીનો સામાન મોકલી આપવા માટે દબાણ કરતા મહિલાએ સામાન પણ મોકલી આપ્યો અને ફરી કોઈ બેંક ખાતામાં પૈસા નાખ્યા હતા.

અઘોરી વિધિ માટે બલી આપવા પડશે

ત્યાર બાદ મહિલાને શંકા જતા તેણે અઘોરી બાબાને ફોન કરીને તેનું કામ ન થયાનું જણાવતા ઢોંગી બાબાએ કહ્યું હતું કે, 'તમારા કામમાં બહુ મોટી તકલીફ છે, જેથી મહારાષ્ટ્રના નાસીક ખાતે તાંત્રીક વીધી કરવી પડશે અને ત્યાં આગળ એક માણસની અઘોરી વિધિ માટે બલી આપવી પડશે. આ સાંભળીને મહિલા ડરી ગઈ અને એણે બલી આપવા માટે કોઈ માણસ નથી એમ જણાવી દીધું હતું. પછી આ તાંત્રીક બાબાએ કહ્યું કે, જો બલી ના આપવી હોય તો ૪ તાંત્રીક વિધિઓ કરવી પડશે અને એક વિધીનો ખર્ચ રૂ. ૨,૩૦,૦૦૦/- એમ કુલ રૂ.૯,૨૦,૦૦૦/- આંગડીયાથી આપવા પડશે. જેથી મહિલાએ વ્યાજે પૈસા લઈ અને પતિની થોડી બચતના પૈસા ભેગા કરી અઘોરીબાબાના નામથી નાસીક ખાતે મોકલી આપ્યા હતા. 

કાળા નાગને માટલીમાં મુકી વિધિ કરવા...

આટલા રૂપિયા પડાવ્યા બાદ પણ આ ઢોંગીઓને સંતોષ ના થયો અને, ફરીથી રુપીયાની માંગણી કરી અને આ વખતે એવું જણાવ્યું કે,'તારૂ કામ હું અને મારી બેન ગુરૂ માતા વિજેંદ્રા કરીએ છીએ. વિજેંદ્રા અત્યારે કબ્રસ્તાનમાં કાળા નાગને માટલીમાં મુકી વિધિ કરવા જાય છે અને તારા પતિ અકબર અને દિકરા રોહાનની આત્માને બોલાવવી પડશે. જેથી તેના રૂ. ૩,૧૫,૦૦૦/- આપવા પડશે. અને જો તું નહીં આપે તો તારો વિનાશ થઈ જશે.' સાંભળીને ફરીથી મહિલા ડરી ગઈ અને તેણે રૂપિયા નાસીક ખાતે અઘોરીબાબાના નામથી મોકલી આપ્યા. આમ આ બે ઢોંગીઓએ મળીને કુલ રૂ: ૧૪,૧૮,૧૦૦/- મહિલાને મરવાની બીક બતાવી પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે.

આ સમાચાર શેર કરો