મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજસ્થાનથી અમદાવાદમાં દારુ ઘુસાડવા બુટલેગરનો નવો રૂટ, પોલીસ કારને ટક્કર મારતા રચાયા ફિલ્મી દ્રશ્યો

અમદાવાદ શહેરમાં દારુ ઘુસાડવા માટે બુટલેગરોએ હવે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાણંદ-શાંતિપુરા સર્કલ પાસે પીસીબીની

રાજસ્થાનથી અમદાવાદમાં દારુ ઘુસાડવા બુટલેગરનો નવો રૂટ, પોલીસ કારને ટક્કર મારતા રચાયા ફિલ્મી દ્રશ્યો

અમદાવાદ શહેરમાં દારુ ઘુસાડવા માટે બુટલેગરોએ હવે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાણંદ-શાંતિપુરા સર્કલ પાસે પીસીબીની ટીમે વિરમગામથી દારૂનો જથ્થો લઇને આવી રહેલા બુટલેગરને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પીસીબીની ટીમને બુટલેગરની કારમાંથી 1200 બોટલ દારુ મળી આવ્યો છે. 

PCBએ ફિલ્મીઢબે દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ શહેરમાં સાણંદ-શાંતિપુરા સર્કલ પાસે PCBની ટીમે બાતમીના આધારે વિરમગામથી દારૂનો જથ્થો લઇને આવી રહેલા બુટલેગરની કારને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. બુટલેગરે પોલીસને જોતા જ પોતાની કાર દોડાવી મુકી હતી. આ દરમિયાન પોલીસે પણ બુટલેગરની કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો અને કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અકસ્માતમાં બુટલેગરને ઇજા થતા તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગર દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવીને નરોડામાં બુટલેગરને સપ્લાય કરવાનો હતો.

બનાવની વિગત જોઇએ તો બુટલેગર રાજસ્થાનથી દારૂનો જથ્થો લઇને નીકળ્યો હતો અને તે માલવણ-વિરમગામ થઇને પોલીસને ખબર ના પડે તેવા રૂટ પરથી અમદાવાદના નરોડા સપ્લાય કરવાનો હતો.

PCBના પી.આઇ. એમ.સી.ચૌધરીને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક કારમાં દારૂનો જથ્થો લઇને વિરમગામ થઇને એક વ્યક્તિ સરખેજ-શાંતિપુરા સર્કલ પાસેથી પ્રસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શાંતિપુરા સર્કલ પાસે કારને રોકવા માટે અન્ય બે કારને આડી રસ્તા પર મુકી હતી. બુટલેગરે કારને ઉભી રાખવાના બદલે એક કારને ટક્કર મારી પોતાની કારને સનાથલ સર્કલ તરફ દોડાવી મુકી હતી. પોલીસે પણ અન્ય કાર દ્વારા બુટલેગરની કારનો પીછો કર્યો હતો. આ સમયે બુટલેગરે પોલીસની અન્ય કારને પણ ટક્કર મારતા કારને નુકસાન થયું હતું. પોલીસે તે બાદ બુટલેગરની કારને આંતરીને તેને ઝડપી પાડ્યો હતો. 

બુટલેગરની કારની તપાસ કરતા કારમાંથી 1200 બોટલ દારૂની મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બુટલેગરે પોતાનું નામ રમેશ બિશ્નોઇ હોવાનું કહ્યું હતું અને પોતે ઝાલોર, રાજસ્થાનનો વતની છે. દારૂનો જથ્થો સાંચોરથી લાલભાઇ નામના બુટલેગરે ભરાવ્યો હતો અને નરોડામાં સુરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ભાટી નામના સ્થાનિક બુટલેગરને આપવાનો હતો. સુરેન્દ્ર ભાટી હાલમાં વોન્ટેડ છે અને તેની સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશના ગુના પણ દાખલ થયેલા છે.

આ સમાચાર શેર કરો