મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદઃ વગર મંજૂરીએ ફ્યુઅલ બ્રાઉઝર એરપોર્ટ બહાર આવ્યું, ડીઝલ ચોરી મુદ્દે સિક્યોરીટીનો મોટો સવાલ

અમદાવાદના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચોંકા

અમદાવાદઃ વગર મંજૂરીએ ફ્યુઅલ બ્રાઉઝર એરપોર્ટ બહાર આવ્યું, ડીઝલ ચોરી મુદ્દે સિક્યોરીટીનો મોટો સવાલ

અમદાવાદના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફના વાહનોમાં ડીઝલ ભરવા માટે ઉપયોગમાં લેવાતું ફ્યુઅલ બ્રાઉઝર નિયમોનો ભંગ કરીને એરપોર્ટની હદ બહાર લઈ જવાયું અને ત્યાંથી ખુલ્લેઆમ ડીઝલની ચોરી કરવામાં આવી રહી હતી. આ સમગ્ર મામલો ઝોન-4 એલસીબી સ્કવોડની સતર્કતાને કારણે સામે આવ્યો છે. એલસીબીએ સ્થળ પર રેડ કરીને ફ્યુઅલ બ્રાઉઝરમાંથી ડીઝલ ચોરી કરતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. સમગ્ર ઘટનાના ફોટા પણ સામે આવ્યા છે.

એરપોર્ટ ઓથોરીટીની સિક્યોરીટી પર મોટો સવાલ

એરપોર્ટ ઓથોરીટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ માટે વપરાતા વાહનોમાં ડીઝલ પુરવઠા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. નિયમ મુજબ, ફ્યુઅલ બ્રાઉઝર માત્ર એરપોર્ટની અંદર જ ઉપયોગમાં લઈ શકાય અને જો કોઈ ખાસ કારણસર બહાર લઈ જવાનું હોય તો સિક્યોરીટી ઓફિસરની મંજૂરી અને દેખરેખ ફરજિયાત છે. પરંતુ આ કેસમાં ફ્યુઅલ બ્રાઉઝર વગર કોઈ મંજૂરી, વગર સિક્યોરીટી એસ્કોર્ટ એરપોર્ટમાંથી બહાર લઈ જવાયું હતું — જે સીધો-સીધો સુરક્ષા પ્રોટોકોલનો ભંગ ગણાય છે.

હાંસોલ પાસે ડીઝલ ચોરી, એલસીબીની તાત્કાલિક કાર્યવાહી

ઝોન-4 એલસીબી સ્કવોડના પીએસઆઈ સંદીપ પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ માટે વપરાતું ફ્યુઅલ બ્રાઉઝર હાલ હાંસોલ નજીક રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઊભું છે અને તેમાંથી ડીઝલની ચોરી ચાલી રહી છે. મળેલી માહિતીના આધારે એલસીબી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફ્યુઅલ બ્રાઉઝરમાંથી ડીઝલ કાઢતા બે શખ્સોને ઝડપી લીધા.

ધરપકડ કરાયેલા આરોપીઓ

પોલીસે ડીઝલ ચોરીના ગુનામાં ભરતભાઈ પટણી અને કલ્પેશ પટણીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી ભરત પટણીએ જ ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટની બહાર લાવ્યું હતું.

એરપોર્ટ પોલીસ તપાસમાં જોડાઈ

હાલ બંને આરોપીઓ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, ફ્યુઅલ બ્રાઉઝર બહાર લાવવાની મંજૂરી કોણે આપી?
એરપોર્ટ સિક્યોરીટી ચેક કેવી રીતે બાયપાસ થયો?
આ પહેલાં પણ કેટલી વખત ડીઝલ ચોરી કરવામાં આવી?
આ પાછળ કોઈ આંતરિક સંડોવણી છે કે નહીં?

સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી

આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરીટીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જો ફ્યુઅલ બ્રાઉઝર જેવી સંવેદનશીલ ગાડી આટલી સરળતાથી એરપોર્ટ બહાર આવી શકે, તો એરપોર્ટની કુલ સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો