Ahmedabad એરપોર્ટ હાઈ-એલર્ટ પર; મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચન, જાણો શા માટે જાહેર કરાઈ આ એડવાઈઝરી
આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીને અનુલક્ષીને અમદાવાદના સર

આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીને અનુલક્ષીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા વધારાની તકેદારી રાખવામાં આવશે, જેના પગલે એરપોર્ટ અને વિવિધ એરલાઈન્સ દ્વારા મુસાફરો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા તપાસમાં સમય વધુ જવાની શક્યતા હોવાથી તેમને નિર્ધારિત ફ્લાઇટના સમયના ઓછામાં ઓછા 3 કલાક પૂર્વે એરપોર્ટ પર પહોંચી જવા તાકીદ કરવામાં આવી છે.
તમામ એરલાઈન્સે સૂચના જાહેર કરી
સુરક્ષાના કડક અમલીકરણના ભાગરૂપે મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઈન્સે સ્પષ્ટ કર્યું છે કે, મુસાફરો પોતાની સાથે ચેક-ઈન બેગેજ ઉપરાંત માત્ર 7 કિલોની એક જ હેન્ડબેગ લઈ જઈ શકશે. ચેક-ઈન કાઉન્ટર્સ ફ્લાઇટ ઉપડવાના 60 મિનિટ પહેલા અને બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે. ખાસ કરીને દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસના રિહર્સલને કારણે ફ્લાઇટના શિડ્યુલમાં ફેરફાર કે વિલંબ થઈ શકે છે, તેથી મુસાફરોને એરપોર્ટ સ્ટાફ સાથે સહયોગ કરવા અને ધસારો ટાળવા માટે વહેલા આવવા અપીલ કરાઈ છે.
આજે ખરાબ વાતાવરણને કારણે 10 ફ્લાઈટ મોડી પડી
બીજી તરફ, અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ અને ઓછી વિઝિબિલિટીને કારણે આજે ફ્લાઇટ ઓપરેશન પર માઠી અસર જોવા મળી છે. હવામાનમાં પલટાને કારણે કુલ 10 જેટલી ફ્લાઇટ્સ મોડી પડી છે, જેને પગલે મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ સત્તાધીશોએ મુસાફરોને સલાહ આપી છે કે, ઘરથી નીકળતા પહેલા પોતાની એરલાઈન પાસેથી ફ્લાઇટના ચોક્કસ સમયની જાણકારી મેળવી લેવી, જેથી એરપોર્ટ પર બિનજરૂરી હાલાકીનો સામનો ન કરવો પડે.
આજે(23 જાન્યુઆરી) નીચે મુજબની ફ્લાઇટને આવવામાં વિલંબ
-સ્ટાર એર S5 619
-સ્ટાર એર S5 425
-અકાસા એર QP 1926
-અકાસા એર QP 1325
-ઈન્ડિગો 6E 586
-એર ઇન્ડિયા AI 493
આજે (23 જાન્યુઆરી) નીચે મુજબની ફ્લાઇટને ઉપડવામાં વિલંબ
-સ્ટાર એર S5 108
-અકાસા QP 1332
-ઈન્ડિગો 6E 6731
-અકાસા એર QP 1102








