સુરતમાં દોઢ કરોડની લૂંટ સહિત 16 ગુનાનો આરોપી દબોચાયો, મર્ડર-લૂંટ-વાહનચોરી સહિતના ગંભીર ગુના સામેલ
સુરતમાં દોઢ કરોડની ચકચારી લૂંટ અને 16 અલગ અલગ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દબોચી લેવાયો

સુરતમાં દોઢ કરોડની ચકચારી લૂંટ અને 16 અલગ અલગ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દબોચી લેવાયો છે. ટીલુસિંહ ઉર્ફે ગુરુ ટાંકને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ વિશિષ્ટ ઓપરેશનના ભાગ રૂપે નાસતા ફરતા આરોપીને વરાછા વિસ્તારના અશ્વિનિકુમાર ત્રણપાનના વડ નજીકથી ઝડપી લેવાયો છે.
16 ગંભીર ગુનાઓ
આરોપી ટીલુસિંહ ઉર્ફે ગુરુ ટાંક ક્રાઈમ બ્રાંચના બાતમીદારોની માહિતીના આધારે ઝડપાયો છે.આરોપી પર મહારાષ્ટ્રના ધરણગાવ, ફૈજપુર, ચોપડા શહેર, થાણે, અને મીરા ભાયંદર વિસ્તારમાં ઘરફોડ ચોરી, વાહનચોરી અને લૂંટના 16 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ 2009થી શરૂ થયો હતો. જેમાં મર્ડર, લૂંટ અને વાહનચોરી સહિતના ગંભીર ગુનાઓ સામેલ છે.
ચકચારી દોઢ કરોડની લૂંટ
17 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રના ધરણગાવમાં એક્સિસ બેંકના કર્મચારીઓ 1.60 કરોડની રકમ ક્રેટા કારમાં મૂકી અન્ય બેંકમાં જતાં હતા. ત્યારે ટીલુસિંહ અને તેના સાગરીતોએ ચોરીની કાર અને સ્કોર્પિયો ગાડીના ઉપયોગથી તેમનો પીછો કર્યો હતો.આરોપીએ ગાડીને ટક્કર મારી, મરચાનો પાઉડર છાંટી, લોખંડની સળીયાથી હુમલો કર્યો હતો. બાદમાં રોકડ રકમ લૂંટી લીધી હતી. ટીલુસિંહને આ લૂંટમાંથી 23 લાખ મળ્યા હતા.
ગમે ત્યારે ગુનાને અંજામ આપતા હતા
આરોપી પહેલા ચોરી કરેલી કારનો ઉપયોગ ગુનામાં કરતો હતો. ચોરીને શક્ય બનાવવા માટે તેનું ગેંગ હથિયાર અને ખાવાપીવાની વ્યવસ્થા કરતાં હતા. આરોપી વિરુદ્ધ મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક પોલીસ સ્ટેશનોમાં કુલ 16 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ભારે લૂંટ, ઘરફોડ ચોરી અને વાહનચોરીના કેસો સામેલ છે.








