સુરતમાં યુવતીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા, બીજા સાથે અફેર હોવાની શંકાએ મંગેતર બન્યો હત્યારો

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવતીની હત્યા થઈ હતી. યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતર યુવકે જ હત્યા કરી હતી. યુવકે તિક્ષણ હથિયારના એક કરતાં વધુ ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. જેથી પોલીસે હત્યારા યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શંકાને આધારે હત્યા
વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષ યુવતીની હત્યા થઈ હતી. ગળાના ભાગે તિક્ષણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી.જેની સાથે સગાઈ થઈ તેણે યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. મંગેતરને શંકા પડી હતી. યુવતીનું બીજા સાથે અફેર હોવાના શંકાને લઈને હત્યા કરવામાં આવી હતી. હત્યાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.
સીસીટીવીમાં કેદ
યુવતીની હત્યા કર્યા બાદ હત્યારો મંગેતર ફરાર થઈ ગયો હતો. હત્યારો ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે, ખૂબ જ ઝડપથી હત્યારા આરોપીને ઝડપી લેવામાં આવશે.
ઘરમાં ઘુસીને હત્યા
પોલીસ અધિકારીએ કહ્યું કે, સંદીપ પગી નામના પ્રેમી સાથે વર્ષાની સગાઈ થઈ હતી. જો કે, કોઈ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયા બાદ સંદીપ પગી તેમના ઘરમાં આવી ગયો હતો. તેણે તિક્ષણ હથિયારથી હત્યા કરીને નાસી ગયો હતો. હાલ વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

