મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદમાં એકલી રહેતી વૃદ્ધાને બંધક બનાવી લૂંટ મચાવનાર આરોપીની ધરપકડ

આણંદમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં અડધી રાતે એક યુવકે વૃદ્ધાને બંધક બનાવી ઘરમાંથી લૂંટ

આણંદમાં એકલી રહેતી વૃદ્ધાને બંધક બનાવી લૂંટ મચાવનાર આરોપીની ધરપકડ

આણંદમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં અડધી રાતે એક યુવકે વૃદ્ધાને બંધક બનાવી ઘરમાંથી લૂંટ મચાવી હતી. આણંદ શહેરના વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલા રેશી હાઉસમાં પરોઢિયે ત્રાટકેલા લુંટારૂએ વૃધ્ધાને બંધક બનાવી, ચપ્પુથી તેમજ મુકકાનો માર મારી, સોનાના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૨ લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો.

આ અંગે વિદ્યાનગર પોલીસે લુંટનો ગુનો દાખલ કરીને લુંટારાના વર્ણનના આધારે અલગ અલગ દિશામાં તાપસ કરી હતી અને આખરે લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.  ભોગ બનનાર ફરિયાદી મહેન્દ્ર કૌર ગુરૂદીપસિંહ રેશી નાના બજારમાં આવેલા શાંતાબા પાર્કની નજીકના રેશી હાઉસમાં પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે.

આ પણ વાંચો : આણંદ-તારાપુર ચોકડી પર 17 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, 4ની અટકાયત

સપ્તાહ પહેલા જ પુત્ર અને પુત્રવધુ લંડન ગયા હતા. બે દિવસ પૂર્વે રાત્રીના સુમારે તેઓ જમી પરવારીને ૧૧ વાગ્યે મકાનના બારી-બારણા બંધ કરીને સુઈ ગયા હતા. દરમ્યાન અઢીથી પોણા ત્રણની વચ્ચે પલંગમાં ખખડાટ થતાં તેઓ એકદમ જાગી ગયા અને જોયું તો માથા પાસે એક માણસ ઉભો હતો. જેને જોઈ બુમ પાડવા જતા અજાણ્યા યુવકે તેમના મોઢામાં ડુચો મારી દીધો અને બન્ને હાથ દુપટ્ટાથી પાછળ બાંધી દીધા હતા અને હાથથી મોઢાના ભાગે માર મારવાનુ ચાલુ કર્યું હતુ.

ત્યારબાદ કાંઈ બોલીશ નહીં, નહીં તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ બરડામાં તેમજ મોઢા ઉપર મુક્કા મારી આશરે ત્રણ તોલા વજનનું હાથમાં પહેરેલું સોનાનું કડુ કાઢી લીઘું. ત્યારબાદ લૂંટારુએ રૂમમાં આવેલી તિજોરીમાંથી રોકડા ૫૦ હજાર કાઢી લીઘા હતા. જોકે સોનાની અંગુઠી કાઢવા જતા નીકળી નહોતી અને બીજા રૂમમાંથી તે ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ મહેન્દ્ર કૌરે દુપટ્ટાથી બાંધેલા હાથ ધીમે ધીમે છોડીને મકાનનો દરવાજો ખોલી બુમાબુમ કરતા મકાનની સર્વન્ટ રૂમમાં રહેતા સુનિતાબેન માછી આવી ગયા તેમજ આજુબાજુ રહેતા પડોશીઓ પણ જાગીને આવી ગયા હતા.

આ દરમ્યાન વડોદરા ખાતે રહેતી પુત્રી બિન્દુબેનને ફોન કરીને જાણ કરી તેમજ માજીને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા. વહેલી પરોઢિયે થયેલી લુંટની ઘટનાની જાણ પોલીસને થતાં જ ડીવાયએસપી, એલસીબી, એસઓજી તેમજ વિદ્યાનગર પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી અને મહેન્દ્ર કૌરની ફરિયાદને આધારે લુંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : બોટાદ: ઓઈલ મિલમાલિકના અપહરણમાં મોટો ખુલાસો, ફરાર આરોપીઓની ગાડીમાં હતો ભાજપનો ઝંડો

વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી આ સાથે પોલીસની ત્રણ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તાપસ હાથ ધરી હતી. ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ તાપસ તેજ બનાવી હતી. આખરે પોલીસને લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. લૂંટને અંજામ આપનાર કરજણના રહેવાસી વિપુલ બાબુભાઈ વસાવાની પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિકન્ટ્રકસન કરાવ્યું હતું. આરોપી વિપુલ વસાવા પાસેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

આરોપી વિપુલે કેવી રીતે આપ્યો લૂંટ અંજામ?

આરોપી વિપુલ વસાવા ભોગ બનનાર વૃદ્ધા મહેન્દ્ર કૌરના સર્વન્ટ પ્રકાશ માછીનો સાઢું થાય છે અને પ્રકાશ માછી મહેન્દ્ર કૌરના બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં રહે છે. જેને લઈ આરોપી ત્યાં અવાર નવાર આવતો હતો અને રેકી કરી લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા લૂંટમાં અન્ય કોઈ શખ્સ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો