સુરતમાં એકાઉન્ટન્ટ સાથે 75.92 લાખની છેતરપિંડી, ક્રીપ્ટો કરન્સી, શેરબજાર અને જમીનમાં રોકાણના નામે રૂપિયા પડાવ્યા
ટેક્સટાઈલ અને હીરા નગરી ગણાતા સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એકાઉન્ટન્ટ સાથે 75,92,300ની છે

ટેક્સટાઈલ અને હીરા નગરી ગણાતા સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એકાઉન્ટન્ટ સાથે 75,92,300ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી તેનો વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
વિવિધ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપી
કતારગામ ખાતે રહેતા ફરિયાદી ભાવિક બિપીનકુમાર જાટકીયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેની સાથે આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી 30,00,000 રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી, જે કુલ 75,92,300 થાય છે. આરોપીએ આ રકમનો કોઈપણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખ્યા હતા. ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માંગણી કરી ત્યારે આરોપીએ બહાનેબાજી કરી હતી.
તપાસ હાથ ધરી
આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોપવામાં આવી. ઇકો સેલની ટીમે તપાસ શરૂ કરી અને આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી. હવે પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.








