Surendranagar/ ભડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત, ઇકો કાર સામે 'રોઝ' આડું પડતા 8 યુવતીઓ ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારે

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારે ભડિયાદ ગામ નજીક એક ખાનગી ઇકો કાર અને જંગલી પશુ (રોઝ) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 8 યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
નોકરીએ જતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
મળતી વિગતો મુજબ, ઇકો કારમાં સવાર આ 8 યુવતીઓ દરરોજની જેમ પોતાના ઘરેથી સુરેન્દ્રનગર ખાતે નોકરી માટે આવી રહી હતી. કાર જ્યારે ભડિયાદ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રસ્તા પર એક 'રોઝ' (નીલગાય) આડું ઉતર્યું હતું. ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી પશુ સાથે અથડાઈને માર્ગ નીચે ઉતરી ગઈ હતી.
4 યુવતીઓની હાલત નાજુક
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા. તમામ 8 યુવતીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે પૈકી ૪ યુવતીઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ (ટી.બી. હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની ટીમ તેમની જિંદગી બચાવવા પ્રયાસ કરી રહી છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર રખડતા પશુઓ અને વન્ય પ્રાણીઓના કારણે અવારનવાર સર્જાતા આવા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.








